GSTને લઈ ગુજરાતના અધિકારીઓ કરી રહ્યા છે 13 મુદ્દા પર મનોમંથન, જાણો વધુ

વડોદરાના ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રિઝના પરિસરમાં રાજ્યના વેરાકીય વહીવટને સરળ અને સુદ્રઢ બનાવવાના આશયથી રાજ્યના મુખ્ય વેરા કમિશનર (જીએસટી)  જે.પી. ગુપ્તાએ ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો શુભારંભ કરાવ્યો હતો. આ શિબિરમાં રાજ્યના સ્ટેટ ટેક્સ વિભાગ(જીએસટી-11) ડિવિઝનના વર્ગ-1ના અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. જેઓ ત્રણ દિવસ રાજ્યના વેરા વિભાગને વધારે કાર્યક્ષમ, સરળ અને લોકાભિમૂખ બનાવવા ઈ-ગવર્નન્સ, નોલેજ મેનેજમેન્ટ, ઈનપુટ ટેક્સ ક્રેડિટ, અપીલ, કોમોડીટી એનાલિસસ, એન્ફોર્સમેન્ટ સહિતના 13 મુદ્દે વિચારોનુ આદાન પ્રદાન કરશે.

રાજ્યના મુખ્ય વેરા કમિશનર (જીએસટી) જે.પી. ગુપ્તાએ જણાવ્યું કે, આ ચિંતન શિબિરના માધ્યમથી વિભાગના અનેકવિધ પ્રશ્નો અને જીએસટી કલેક્શન કરવામાં આવતી તકલીફો અંગે સામૂહિક વિચારણા કરવામાં આવશે. જેમાં તમામ અધિકારીઓના પ્રતિભાવો, ખૂબ મહત્વના છે. અને આપના પ્રતિભાવોના આધારે દિશા નિર્ધારણ કરવામાં આવશે. એટલે દરેક અધિકારીશ્રીઓ ઉત્સાહપૂર્વક પોતાનું યોગદાન આ ચિંતન શિબિરમાં આપે, તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.

ટેક્સના સિદ્વાંતોની ચર્ચા કરતા જેપી  ગુપ્તાએ જણાવ્યું કે, ટેક્સ ચૂકવનારને વ્યવસ્થા સરળ-સગવડભરી નહિ લાગે ત્યાં સુધી તેઓ ટેક્સ ભરવા પ્રેરાશે નહિ. ટેક્સ ભરવાની પ્રક્રિયા સરળ હોય ત્યારે તેના અમલીકરણમાં પ્રશ્નો ઉપસ્થિત થતા નથી. સાથે જ તેમણે ટેક્સ ચૂકવનારને ટેક્સ ભરવામાં કોઈ અણગમો ન થાય તેની કાળજી લેવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. તેમજ કાયદા-નિયમોના અધારે કામગીરી કરવાની થતી હોય ત્યારે તેના અર્થઘટનમાં કાળજી રાખવામાં આવે તો લીટીગેશન સહિતના અનેક પ્રશ્નો ટાળી શકાય. આમ, અધિકારીઓ કાયદાકિય જ્ઞાનમાં પાવરધા હોવા ઘટે. તેમ તેમણે જણાવ્યું હતું.

વધુમાં તેમણે ઉમેર્યું કે, એક સમયે ડેટા એકઠા કરવાના પડકાર હતા ત્યારે આજે ટેકનોલોજીના યુગમાં કોમ્પ્યુટરના માધ્યમથી ડેટાનું એનાલિસસ કરવું સરળ બન્યું છે. આમ તે વહીવટમાં ઘણું મદદરૂપ બની શકે છે. આ ક્ષેત્રમાં કામ કરવામાં ઘણા પડકાર રહેલા છે ત્યારે એક ટીમ તરીકે કામ કરીને આપણું શ્રેષ્ઠ આપવાના પ્રયાસ અનિવાર્ય બની જાય છે.

કેન્દ્રીય જીએસટીના મુખ્ય કમિશનર અશોક કુમાર મેહતાએ જીએસટીના અમલીકરણના સંદર્ભમાં કહ્યું કે, એક વ્યવસ્થામાંથી બીજી વ્યવસ્થાનું અમલીકરણ કરવાનું થાય તેમા પડકારો-અડચણો આવે તે સ્વભાવિક છે. પરંતુ ધીમે ધીમે નવી ટેક્સ વ્યવસ્થાનો આપણે સારી રીતે અમલીકરણ કરી શક્યા છીએ.તેમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજ્ય વેરા સ્પેશ્યિલ કમિશનર સમીર વકીલ, રાજ્ય વેરા વિભાગના એડિશનલ કમિશનર ભાવિન પંડ્યા, અને રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, મહેસાણા સહિત 11 ડિવિઝનના સંયુક્ત રાજ્ય વેરા કમિશનર, નાયબ વેરા કમિશનરો અને સહાયક વેરા કમિશનરો હાજર રહ્યા હતા.