ગુજરાતની વાઈલ્ડ લાઈફને લઈ મહત્વના નિર્ણયો: દિપડાઓને ટ્રેસ કરવા રેડિયો કોલર લગાવાશે, 2020માં થશે સિંહોની વસ્તી ગણતરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 18મી બેઠકમાં ચાર જેટલા મહત્વપૂર્ણ નિર્ણયો વન્ય પ્રાણીઓના સંદર્ભમાં લેવામાં આવ્યા હતા.  રાજ્યમાં રેવન્યુ વિસ્તારમાં રંજાડમાં પકડાયેલા દિપડાઓને જ્યારે છોડવામાં આવે ત્યારે તેમને રેડિયો કોલર કરીને છોડવામાં આવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.

આના પરિણામે આવા માનવવસ્તીને રંજાડતા દીપડાઓનું હવેથી રેડિયો કોલર દ્વારા લોકેશન ટ્રેસ કરીને તેમને પકડી લેવાની કાર્યવાહીમાં વન વિભાગને સુગમતા રહેશે.  મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં દીપડા દ્વારા માનવ વસ્તી પરના હુમલાઓના સંદર્ભમાં આ મહત્વપૂર્ણ નિર્ણય વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકમાં કર્યો છે.

તદ્દઉપરાંત, ગુજરાતમાં દીપડાની વધતી વસ્તીના નિયંત્રણ માટે સ્ટરીલાઇઝેશન પ્રક્રિયા પણ કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગની જરૂરી પરવાનગી મળ્યેથી હાથ ધરવા પણ તેમણે સૂચનો કર્યા હતા.
મુખ્યમંત્રીએ રાજ્યમાં જોવા મળતી અલભ્ય પક્ષી પ્રજાતિ ઘોરાડ અને ખડમૌરના સંવર્ધન માટે સ્ટેટ ઓફ ધી આર્ટ બ્રિડીંગ સેન્ટર PPP મોડ પર શરૂ કરવા અંગેના DPR, સ્થળ નિયત અને સર્વે ત્વરાએ હાથ ધરવા પણ વન વિભાગને સૂચન કર્યુ હતું.

તેમણે ખાસ કરીને કચ્છ પ્રદેશમાં ધોરાડ પક્ષીઓને હાઇટેન્શન વીજ વાયરથી થતા અકસ્માત અને ઇજાના કિસ્સાઓ નિવારવાના હેતુસર અંડર ગ્રાઉન્ડ વાયરીંગની સંભાવનાઓ ચકાસવા પણ પ્રેરક સૂચન કર્યુ હતું.

વન વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ બેઠકમાં જણાવ્યું કે ગુજરાત સેન્ટ્રલ એશિયાઇ ફલાય વે માં આવતું રાજ્ય છે અને તેથી યાયાવર પક્ષીઓ અહીં મોટી સંખ્યામાં આવે છે.
આ યાયાવર પક્ષીઓને હાઇટેન્શન વીજવાયર તથા પવનચક્કીથી અકસ્માતે ઇજા ન થાય તે માટે સ્ટ્રેટજિક જગ્યાએ બર્ડ ડાર્યવટર લગાવવાની પ્રક્રિયા વન વિભાગ આગામી દિવસોમાં હાથ ધરવાનું છે.

મુખ્યમંત્રીએ આ બેઠકમાં અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય કરતાં કહ્યું કે, 2020માં જ્યારે રાજ્યમાં સિંહોની વસ્તી ગણતરી હાથ ધરાય ત્યારે વાઘની વસ્તી ગણતરીના જે નેશનલ પ્રોટોકોલ છે તે અંતર્ગત ડિઝીટલ ફોટો એનાલીસીસ તથા આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સના ઉપયોગથી પ્રથમવાર સાયન્ટીફિક વસ્તી ગણતરી રાજ્યમાં હાથ ધરવામાં આવશે.

તેમણે આ હેતુસર આવા આર્ટીફિશીયલ ઇન્ટેલીજન્સના યુવા સ્ટાર્ટઅ૫સની સેવાઓ લેવા માટે પણ વિભાગને સૂચન કર્યુ હતું.

સીએમ રૂપાણીએ ગુજરાત એશિયાટિક લાયન માટે પ્રખ્યાત છે જ સાથોસાથ બનાસકાંઠા, પંચમહાલ જેવા વિસ્તારોમાં રિંછની વસ્તી પણ વધુ છે તેથી વાઇલ્ડ લાઇફ ટુરિઝમમાં રિંછની બહુધા સંખ્યા ધરાવતા સ્થાનો પણ આવરી લેવાય તે માટે પ્રવાસન અને વન વિભાગને સંકલન સાધવા હિમાયત કરી હતી.

સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની આ બેઠકમાં આ ઉપરાંત જેસોર અભ્યારણ્યમાં ઓપ્ટીકલ ફાયબર કેબલ નાંખવા જમીનના ઉપયોગ, ગિરનાર અભ્યારણ્યની જમીનનો પાણીની પાઇપલાઇન માટે ઉપયોગ સહિતના વિવિધ પ્રશ્નો પણ સભ્યો દ્વારા ચર્ચા વિચારણામાં લેવામાં આવ્યા હતા.

વન મંત્રી ગણપતસિંહ વસાવા, મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, વન પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તેમજ પોલીસ મહાનિદેશક શિવાનંદ જ્હા અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, બોર્ડના સભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.