નાગરિકતા બિલનો વિરોધ: ત્રિપુરામાં આર્મી ખડકાઈ, આસામમાં સ્ટેન્ડ બાય, અનેક ટ્રેનો રદ્દ, નેટ બંધ

લોકસભામાં નાગરિકતા સુધારણા બિલ પસાર થયા બાદ બુધવારે રાજ્યસભામાં તે રજૂ કરવામાં આવ્યું. ઉત્તર-પૂર્વી રાજ્યોમાં આ બિલનો વિરોધ થઈ રહ્યો છે. નાગરિકતા સુધારણા બિલના વિરોધને ધ્યાનમાં રાખીને ત્રિપુરાના કેટલાક ભાગોમાં સૈન્ય તૈનાત કરવામાં આવ્યું છે. ત્યાં જ આસામના દિબ્રુગઢ, જોરહટ અને બોંગાઇગાંવમાં સૈન્યને સ્ટેન્ડબાય પર મૂકવામાં આવ્યું છે. જોકે, સેનાએ હજી સુધી સત્તાવાર પુષ્ટિ કરી નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રિપુરાના કંચનપુર અને મનુ વિસ્તારમાં સેનાની બે બટાલીયન તૈનાત કરાઈ છે. જ્યારે નાગરિકતા સુધારા બિલના વ્યાપક વિરોધને ધ્યાનમાં રાખીને બુધવારે ઉત્તરપૂર્વ રેલ્વેએ ઘણી ટ્રેનોને રદ કરી અને રાજ્યમાંથી દોડતી ઘણી ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

પૂર્વત્તર રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુભાનન ચંદાએ નિવેદનમાં જણાવ્યું હતું કે ઓછામાં ઓછી 14 ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે અથવા તો તેમના ટાઈમટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આઠ ટ્રેનોને ‘સંપૂર્ણ’ રદ કરવામાં આવી છે જ્યારે અન્ય ટ્રેનોને વચ્ચે અટકાવી દેવામાં આવી છે.

અવધ આસામ એક્સપ્રેસને ચલાવવાનો ન્યૂ ટિનસુકિયા સુધી દોડાવવાનો નિર્ણય કરાયો છે. દિબ્રુગઢ અને ન્યૂ ટીનસુકિયા સુધીનો માર્ગ રદ્દ કરવામાં આવ્યો છે. બીજી તરફ  લિડો ગુવાહાટી ઇન્ટરસિટી એક્સપ્રેસ, દિબ્રુગઢ  ફરકાટીંગ ગુવાહાટી ઇન્ટરસિટી એક્સપ્રેસ, નાહરલાગુન ટિનસુકિયા ઇન્ટરસિટી એક્સપ્રેસ, દેકરગાંવ દિબ્રુગઢ  ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણ રદ કરવામાં આવી છે.

વિદ્યાર્થી સંગઠનો અને ડાબેરી-લોકશાહી સંગઠનોએ મંગળવારે પૂર્વત્તરના ઘણા ભાગોમાં વિરોધ નોંધાવ્યો છે. આ દરમિયાનમાં રસ્તો બંધ હોવાના કારણે ગઈ રાત્રે બે મહિનાના બીમાર બાળકનું હોસ્પિટલમાં લઈ જતાં મોત નીપજ્યું હતું.

આ બિલ વિરુદ્ધ બે વિદ્યાર્થી સંગઠનોના રાજ્યવ્યાપી બંધના એલાન બાદ બ્રહ્મપુત્રા ખીણમાં જીવન અટકી પડ્યું હતું. તમામ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (એએએસયુ), નોર્થ ઇસ્ટ સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન, ડાબેરી સંગઠનો-એસએફઆઈ, ડીવાયએફઆઈ, અદ્વા, એઆઈએસએફ અને એઆઈએસએએ એક અલગ બંધનું એલાન આપ્યું હતું.

ગુવાહાટીના વિવિધ વિસ્તારોમાં મોટા પાયે સરઘસ કાઢવામાં આવ્યા હતા અને વિરોધીઓએ બિલ વિરુદ્ધ નારા લગાવ્યા હતા. આંદોલનકારીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલના પુતળા પણ દહન કર્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ગુવાહાટીમાં સચિવાલય અને વિધાનસભાની બહાર આંદોલનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ પણ થઈ હતી કારણ કે પોલીસ આંદોલનકારીઓને આગળ વધતા અટકાવી રહી હતી.

દિબ્રુગઢ જિલ્લામાં બંધના સમર્થકોનું સીઆઈએસએફના જવાનો સાથે ઘર્ષણ થયું હતું. તેમાંથી ત્રણને ઇજા થઈ હતી. ઓઇલ ઇન્ડિયા લિમિટેડ (ઓઆઈએલ) ના કર્મચારીઓને ઓફિસમાં જતા અટકાવવામાં આવ્યા હતા. આંદોલનકારીઓએ ભાજપ, આસામ ગણ પરિષદનું મુખ્ય મથક, દૂરદર્શન કેન્દ્ર અને આસામમાં આરોગ્ય પ્રધાન હિંમંત વિશ્વ સર્માની પત્નીની માલિકીની એક ખાનગી ટીવી ચેનલની ઓફિસને ઘેરી લીધી હતી.

ત્રિપુરામાં NESO દ્વારા બોલાવવામાં આવેલા બંધમાં ભાગ લેનારા આંદોલનકારીઓ ત્રિપુરાના ધલાઈ જિલ્લાના બજારને આગ ચાંપી દીધી હતી. આ બજારની મોટાભાગની દુકાનોના માલિકો બિન આદિવાસી છે. જોકે, આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. અધિકારીએ જણાવ્યું હતું કે, બજારમાં સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે, પરંતુ આ ઘટના બિન-આદિવાસી લોકો દ્વારા છે, જે મોટાભાગની દુકાનોના માલિક છે.

સત્તાવાર સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે તોફાની તત્વોને અફવા ફેલાવવાથી રોકવા માટે મંગળવારે બપોરે 2 વાગ્યાથી 48 કલાક સુધી ત્રિપુરામાં ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.