સેલ્ફી લેવાનું ગાંડપણ એક નહીં પણ ત્રણ-ત્રણ જણાને ભરખી ગયું, રાજકોટમાં માતમ

રાજકોટમાં આવેલા પરશુરામ મંદિર પાસેના તળાવમાં સેલ્ફી લેવા ગયેલ એક યુવતી પાણીમાં ડૂબી જતાં તેને બચાવવા પડેલી તેની સહેલી અને અન્ય બે યુવકો પણ ડૂબવા લાગ્યા હતા ત્યારે ત્યાં માછલીને લોટ નાખવા આવેલ એક યુવાને આ યુવતીને બચાવી લીધી હતી પરંતુ બન્ને યુવતી તો બચી ગઈ જ્યારે બે યુવકો અને યુવતીને બચાવનાર પોતે પાણીમાં ગરક થઈ જતાં ત્રણના મોત થયા હતા.

સમગ્ર ઘટનાની મળતી માહિતી મુજબ પરશુરામ મંદિર પાસે આવેલ તળાવ કે જ્યાં મહાનગરપાલિકાએ ભયજનક હોવાનું અને આ વિસ્તાર પ્રતિબંધિત હોવાનું બોર્ડ લગાવ્યું હોય ત્યાં તળાવનું પાણી ઉંડું હોવાથી કોઈને નહી જવા દેવા ફરમાન કરાયું છે છતાં પણ આજે બે યુવક અને બે યુવતી ત્યાં ગયા હતા અને સેલ્ફી પાડી રહ્યા હતા.

તળાવે ગયેલા યુવાનોમાં અજય પરમાર, શિક્ત સોલંકી તેની સાથે રહેલી દર્શના અને પૂજા નામની યુવતી સેલ્ફી પાડી રહી હતી ત્યારે અકસ્માતે પૂજા નામની યુવતીનો પગ લપસતાં તે પાણીમાં પડી ગઈ હતી. સહેલી પાણીમાં પડતાં તેની પાછળ દર્શના તથા સાથે આવેલ અજય અને શિક્ત પણ તેને બચાવવા તળાવમાં કૂદયા હતા અને આ ચારેય ઉંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા.

આ ઘટના વખતે ત્યાં દરરોજ માછલીને લોટ નાખવા આવતાં તરુણ નરભેરામ મેરજા (રહે.સાધુ વાસવાણી રોડ) નામના આધેડ આ યુવક યુવતીને બચાવવા માટે પાણીમાં કૂદયા હતા અને તરુણ નરભેરામ મેરજાએ બન્ને યુવતી પૂજા અને દર્શનાને પાણીની બહાર કાઢી હતી અને બન્ને યુવક શિક્ત અને અજયને બચાવવા પાછા ગયા હતા પરંતુ તરુણભાઈ પણ ઉંડા પાણીમાં ગરક થઈ ગયા હતા અને અજય અને શિક્ત સાથે તરુણભાઈનું પણ ડૂબી જવાથી મોત થયું હતું. આ બનાવ અંગે ચેતનભાઈ વ્યાસના સ્થાનિકે ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયરબ્રિગેડના તરવૈયાઆેએ તાત્કાલિક પરશુરામ મંદિર ખાતે જઈને ત્રણેયના મૃતદેહ બહાર કાઢયા હતા અને આ બનાવ અંગે યુનિવસિર્ટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે કાર્યવાહી કરી હતી.