નાગરિકતા બીલ ઉપર સ્વરા ભાસ્કર ભડકીઃ કહ્યું, “હેલો હિન્દુ પાકિસ્તાન”

બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર રાજકીય અને સામાજિક મુદ્દે પોતાનો મત રાખવા માટે જાણીતી છે. સ્વરા ભાસ્કરે નાગરિકતા સંશોધન બિલ વિરુદ્વ અત્યંત વિવાદિત નિવેદન આપ્યું છે. ગતરાત્રે લોકસભામાં નાગરિકતા સંશોધન બીલ-2019 પાસ થયા બાદ સ્વરાએ ટવિટ કરી મોદી સરકારની ટીકા કરી છે.

સ્વરા ભાસ્કરે ટવિટ કરી લખ્યું છે કે (ભારતમાં) ધર્મ નાગરિકતાનો આધાર નથી. ધર્મ ભેદભાવનો આધાર ન બની શકે. રાજ્ય ધર્મના આધાર પર નિર્ણય ન લઈ શકે. નાગરિકતા સંશોધન બીલે મુસ્લિમોને સ્પષ્ટ રીતે બહાર કરી દીધા છે. એનઆરસી-સીએબી પ્રાેજેક્ટમાં જિન્નાનો પુનઃજન્મ થયો છે. હિન્દુ પાકિસ્તાનને મારું હેલ્લાે…!

ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન બીલને લઈને વિપક્ષે લોકસભામાં જોરદાર વિરોધ કર્યો હતો. આ બીલ ઉપર સાત કલાક સુધી ચાલેલી આક્રમક ચર્ચા દરમિયાન અંતે તે પાસ થઈ ગયું હતું. બીલના પક્ષમાં 311 અને વિરોધમાં 80 મત પડયા હતા. હવે લોકસભા બાદ રાજ્યસભામાં આ બીલ પાસ થવાનું બાકી છે. નાગરિકતા સંશોધન બીલનું પાસ થવું મોદી સરકારની મોટી જીત માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે સ્વરા ભાસ્કર મોદી સરકારના વિરોધમાં નિવેદન આપવાથી બિલકુલ અચકાતી નથી. લોકસભા ચૂંટણી દરમિયાન સ્વરાએ મોદી સરકાર ઉપર નિશાન તાકતા તેને ખેડૂતોની હત્યારી સરકાર ગણાવી હતી. થોડા દિવસ પહેલાં જવાહરલાલ નહેરુ યુનિવસિર્ટીમાં ફી વધારા વિવાદ પર પ્રતિક્રિયા આપતાં તેણે વિદ્યાર્થીઆેને સપોર્ટ કર્યો હતો.