નીતિશકુમાર વિવાદમાં: નાગરિક સંશોધન બીલનું સમર્થન કરતાં પ્રશાંત કિશોરે કર્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

સોમવારે ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં નાગરિક સંશોધન સુધારા બીલ રજૂ કર્યું હતું. આ બીલ લોકસભામાં બહુમતીથી પસાર થયું હતું. નાગરિકતા સુધારણા બીલને લઇને વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો અને બીલને ખોટું ગણાવ્યું. એનડીએ ગઠબંધનના પક્ષોએ આ બીલને ટેકો આપ્યો હતો. જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) એ પણ લોકસભામાં આ બીલને ટેકો આપ્યો હતો. સોમવારે, પાર્ટીના ઉપપ્રમુખ પ્રશાંત કિશોરે જેડીયુ દ્વારા બીલને ટેકો આપવા વિશે નિરાશા વ્યક્ત કરી હતી.

પ્રશાંતે કિશોરે બીલને સમર્થન કરવા અંગે જેડીયુના વલણની ટીકા કરી ટવિટ કર્યું હતું. તેમણે લખ્યું – જેડીયુના નાગરિકતા સુધારા બીલને ટેકો આપવાના નિર્ણયથી હું નિરાશ છું. આ બીલમાં ધર્મના આધારે નાગરિકત્વ આપવાની વાત છે જે ભેદભાવપૂર્ણ છે. આ પાર્ટીના બંધારણ સાથે મેળ ખાતી નથી. તેના પહેલા પાના પર સેક્યુલર શબ્દ ત્રણ વખત દેખાય છે. જેડીયુનું સિધ્ધાંત ગાંધીવાદી છે.

નોંધપાત્ર વાત એ છે કે, લોકસભામાં બીલના સમર્થનમાં, જેડીયુના સાંસદ રાજીવ રંજન ઉર્ફે લલન સિંહે આ બીલને ટેકો આપતા કહ્યું કે, આ બીલ બિનસાંપ્રદાયિકતાની વિરુદ્ધ નથી.

તમને જણાવી દઈએ કે આ બીલના વિરોધમાં દેશના ઘણા ભાગોમાં દેખાવો થઈ રહ્યા છે. આ બીલમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ દેશોમાં હિન્દુ, શીખ, પારસી, જૈન, બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મના લોકો લઘુમતીમાં છે. આ બીલમાં મુસ્લિમોનો કોઈ ઉલ્લેખ નથી. વિપક્ષે આ બીલને બંધારણની વિરુદ્ધ ગણાવ્યું છે.