કતારગામમાં રહેતા રત્ન કલાકાર અને તેની પત્ની તથા અન્ય એક આેળખીતાને મદદ કરવાના બહાને તેમને બેંકમાં ખાતું ખોલાવીને તેમના ખાતામાં મદદ કરનારાએ કરોડો રૂપિયાનું ટ્રાંન્ઝેક્શન કરી નાખ્યું હતું.ખાતેદારે એટીએમાંથી સ્ટેટમેન્ટ કાઢતા આ કૌભાંડનો પદાર્ફાશ થયો છે. કતારગામમાં અક્ષરનગર સોસાયટીમાં મારુતિ એપાર્ટમેન્ટમાં રહેતા રત્ન કલાકાર હરેશ પુના ચાવડા અને તેમની પત્ની ગીતાબેન જે ઘરે સાડીઓ પર સ્ટોન લગાવવાનું કામ કરે છે. સ્ટોનનું કામ મુકેશ જાદવ ઘોઘારી (રહે- તદાનેવ આશિષ સોસાયટી, ચીકુવાડી, કતારગામ) અને ગૌતમ ભનુ ઘોઘારી (રહે-સીતાનગર સોસાયટી, વેડરોડ) આપી જતા હતા. મુકેશ અને ગૌતમે કહ્યું કે અમે મફતમાં પાનકાર્ડ કઢાવી આપીએ છીએ. તેથી હરેશ ચાવડા અને ગીતાબેને તેમની પાસેથી પાનકાર્ડ કઢાવ્યું હતું.
બંનેએ હરેશ ચાવડા, ગીતાબેન અને વિપુલાબેનને કહ્યું કે, સરકાર તેમને એક પાન કાર્ડ કઢાવવાના 500 રૂપિયા આપે છે. તે રૂપિયા તમારા બેંક ખાતામાં જમા થઈ જશે તે રુપિયા બેંકમાંથી ઉપાડીને આપી દેવાના. દરમિયાનમાં ત્રણેયએ મુકેશ અને ગૌતમને કહ્યું કે, તેમનાં બેંકમાં ખાતા નથી. તેથી મુકેશ અને ગૌતમે તેમને ખાતું ખોલાવી આપવા કહ્યું. હરિપુરાના રૂજલ ઉર્ફે મારૂ અનિલ શાહે આઈડીબીઆઈ બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. ત્રણેયના ઘરે ચેકબુક અને એટીએમ કાર્ડ આવ્યા હતા. ઓગસ્ટ 2019માં વિપુલાબેનના પતિએ એટીએમથી મીની સ્ટેટમેન્ટ કઢાવતાં તેઓ ચોંકી ગયા હતા. તેમના ખાતામાં લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું. હરેશ ચાવડા અને ગીતાબેનના ખાતામાં તપાસ કરતા તેમના ખાતામાં પણ ટ્રાન્ઝેક્શન થયું હતું. માર્ચ 2018થી ઓગસ્ટ 2019 દરમિયાન ત્રણેય ખાતામાં મળીને એક કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન થયું હતું. હરેશે મુકેશ, ગૌતમ અને રૂજલ વિરૂદ્વ ફરિયાદ કરતા કતારગામ પોલીસે તમામની ધરપકડ કરી છે.
બેંકમાં ખાતું ખોલાવ્યા બાદ હરેશ અને તેમની પત્નીના નામની ચેકબુક અને એટીએમ બેંક દ્વારા ઘરે મોકલવામાં આવ્યાં હતાં. પરંતુ ચેકબુકનો ઉપયોગ લાંબા સમય સુધી ન થતાં હરેશે પોતાની અને પત્નીની ચેકબુક એસએમસીની કચરાપેટીમાં નાંખી દીધી હતી.