લોકસભામાં નાગરિકતા સંશોધન બીલ પસાર કરવામાં આવ્યા પછી આસામ-ત્રિપુરા સહિતના પૂર્વોત્તરના પ્રદેશોમાં ભારે જનાક્રોશ ફાટી નીકળ્યો છે, અને ઠેર-ઠેર આગજની, ચક્કાજામ અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. કોંગી નેતા રાહુલ ગાંધીએ અને સંવિધાન પર હુમલો ગણાવ્યો છે.
ગઈકાલે લોકસભામાં પસાર કરાયેલા નાગરિકતા સંશોધન વિધેયક વિરૃદ્ધ અને છ સમૂહોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો પ્રદાન કરવાની માંગ પર દબાણ બનાવા માટે ઓલ મોરાં સ્ટુડન્ટસ યુનિયનને 48 કલાકના આસામ બંધના પ્રથમ દિવસે અનેક જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. પૂર્વોત્તરના પ્રદેશોમાં અનેક સ્થળોએ આગજની અને ચક્કાજામના બનાવો નોંધાયા છે. અનેક લોકો વિરોધમાં સડકો પર ઊતરી પડ્યા છે. 16 જેટલા સંગઠનોએ બંધનું એલાન આપતા ઠેર-ઠેર બંધ જોવા મળી રહ્યું છે. આ ક્ષેત્રમાં દરેક સંગઠનોના શીર્ષ સંગઠન નોર્થ-ઈસ્ટ સ્ટુડન્ટસ ઓર્ગેનાઈઝેશનના પ્રદર્શનના એક દિવસ પહેલા વિધેયક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શંકાઓને દૂર કરવા છતાં આસામ અને ત્રિપુરામાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે.
આજે સવારે પાંચ વાગ્યે બંધની શરૃઆત થતાં જ લખીમપુર, ધેમાજી, તીનસુકીયા, દિબુગઢ, શિવસાગર, જોરહાટ, માજુલી, મોરીગાંવ, બોનગાઈગાવ, ઉદલગુડી, કોકરાઝાર અને બકસા જિલ્લામાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતાં. અનેક સ્થળો પર પ્રદર્શનકારીઓને વિખેરવા માટે દિબુગઢ અને ગોવાહાટીમાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. લાંબા અંતરની કેટલીક બસો પોલીસની દેખરેખ હેઠળ ચાલુ રાખવામાં આવી છે. બંધના કારણે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં અનેક પર્યટકો ફસાયા છે. તેને ગોવાહાટી લઈ જવા માટે કોઈ સાર્વજનિક વાહન નહોતું. આ સ્થળો પર દુકાનો, બજાર અને નાણાંકીય સંસ્થાન બંધ રાખવામાં આવ્યા છે. શાળા અને કોલેજો બંધ કરી દેવાઈ છે.
નાગરિકતા સંશોધન વિધેયક વિરૃદ્ધ બંધ ઉપરાંત એએમએસયુએ મોરાન અને પાંચ અન્ય સમુદાયોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો પ્રદાન કરવાની માંગ પર જોર આપવા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
નોર્થ ઈસ્ટ રાજ્યોમાં રહેનારા લોકોને પોતાની ઓળખાણ ગુમાવવાનો ભય સતત રહે છે. વિસ્તારના ઘણાં સંગઠનોએ પોતપોતાના સ્તરે બિલનો વિરોધ શરૃ કરી દીધો છે. નાગાલેન્ડમાં ચાલી રહેલા હોર્નબિલ ફેસ્ટિવલના કારણે તે આ વિરોધમાં સામેલ થઈ શક્યું નથી.
જે ડાબેરી સંગઠનોએ આસામમાં 12 કલાક બંધ રાખવાની અપીલ કરી છે, તેમાં એસએફઆઈ, ડીવાયએફઆઈ, એઆઈડીડબલ્યુએ, એઆઈએસએફ, એઆઈએસએ અને આઈપીટીએ જેવા સંગઠનો સામેલ છે. ગુવાહાટી અને દિબ્રૂગઢ યુનિવર્સિટીએ રાજ્યમાં આજે યોજનારી પરીક્ષા સ્થગિત કરી દીધી છે, જેથી પરીક્ષાઓ પણ પાછળ ઠેલાઈ ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિપક્ષી પાર્ટીએ આ બિલને ધર્મના આધારે ભેદભાવ કરનારા ગણાવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે જવાબમાં કહ્યું કે, આ બિલ યાતનાઓથી મુક્તિ મેળવવાનો મુખ્ય દસ્તાવેજ છે. ભારતીય મુસ્લિમોનું આની સાથે કોઈ લેવા દેવા નથી. આ બિલ માત્ર ત્રણ દેશોમાંથી હેરાન થઈને ભારતમાં આવેલા લઘુમતીઓ માટે છે.
આ બિલ અંગે કોંગી નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે ધાર્મિક આધાર પર ભેદભાવ કરતું હોવાથી આ બિલ દ્વારા સંવિધાન પર હુમલો કરાયો છે.