108 બની સંજીવની : નવજાતનું ધબકતું હૃદય થયું બંધ, ડોક્ટરોએ એક જ મીનીટમાં બચાવ્યો બાળકનો જીવ, કેવી રીતે, જાણો

એક એવી ઘટના બની કે જેનાથી 108ની તબીબી સેવાને સલામ કરવાનું મન થઈ જાય. એક બાળક માટે 108 સંજીવની બની હતી. નવજાત બાળકની તબિયત લથડે તો તેના માટે બે મિનિટનો સમય પણ જીવન અથવા તો મોતનો પ્રશ્ન બની જાય છે. તેવામાં તેનો જીવ બચાવી લેતા ડોક્ટર ખરેખર ભગવાન સ્વરૂપ લાગે છે. આવી જ એક ઘટના જામનગરના ધ્રોલ ખાતે બની હતી. ધ્રોલની 108ની ટીમના ડોક્ટરોએ બાળકના હૃદયને ધબકતું કરી તેને નવજીવન આપ્યું હતું.

ધ્રોલ ખાતે કાર્યરત 108ની ટીમએ એક બાળકના બંધ પડેલા હૃદયને કૃત્રિમ શ્વાચ્છોશ્વાસ આપી બાળકનું હૃદય ધબકતું કરી દીધું હતું. આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. ધ્રોલના ફલ્લા ગામના વાડી વિસ્તારમાં રહેતા સુમિત્રાબેન સુરેશભાઈ નામની મહિલાએ આ બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ જન્મ બાદ બાળકની હાલત ખુબ જ નાજુક હતી આથી ધ્રોલના સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરએ 108 એમ્બ્યુલન્સ બોલાવી બાળકને વધુ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરી હતી. જો કે આ દરમિયાન બાળકના પલ્સ બંધ પડી ગયા અને ધબકારા પણ બંધ થવા લાગ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોઈ 108ની ટીમએ બાળકને કૃત્રિમ શ્વાચ્છોશ્વાસ આપવાનું શરૂ કરી દીધુ અને થોડી જ મીનીટોમાં બાળકનું હૃદય દબકવા લાગ્યું હતું.