નિર્ભયા ગેંગરેપ: આરોપીઓને 16મી ડિસેમ્બરે ફાંસીએ લટકાવવાની તૈયારી

નિર્ભયા ગેંગરેપના આરોપીઓને ફાંસી આપવાની તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે 16 ડિસેમ્બરે તમામને ફાંસી આપવામાં આવી શકે છે. જે જગ્યા પર ફાંસી આપવાની છે, ત્યાં સાફ-સફાઈ શરૃ કરી દેવામાં આવી છે.

એક આરોપી વિનય શર્મા તરફથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પાસે દાખલ કરવામાં આવેલી દયા અરજીને ગૃહમંત્રાલયે નામંજુર કરવાની ભલામણ કરી છે. ઉલ્લેખનિય છે કે, હૈદ્રાબાદની ડોક્ટર સાથે ગેંગરેપ પછી તેને સળગાવી હત્યા કરવાના મામલામાં ચાર આરોપીઓને ઠાર મરાયા પછી નિર્ભયાના નરાધમોને ફાંસી આપવાની માંગ જોર પકડી રહી છે. નિર્ભયા ગેંગરેપ મામલે છ આરોપીઓમાંથી એક આરોપીનું મોત નિપજ્યું છે, જ્યારે એક સગીર સજા પૂરી કરીને જેલની બહાર આવી ગયો છે. બીજા ચાર આરોપીની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે અને આ જ કારણે આગળની કાર્યવાહી કરવામાં આવી શકી નથી.

આશા છે કે, ગૃહમંત્રાલયની ભલામણ પછી રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં જ દયા અરજી પર નિર્ણય કરશે. તેવામાં જો નિર્ભયા કાંડના આરોપીઓને ફાંસી અપાશે તો માનવામાં આવી રહ્યું છે કે મેરઠના પવન જલ્લાદને તેની જવાબદારી સોંપવામાં આવશે, જો કે હજુ સુધી સત્તાવાર રીતે આ અંગેની કોઈ જાહેરાત થઈ નથી.