આ કારણોસર સોનિયા ગાંધી નહીં ઉજવશે પોતાનો બર્થ ડે…

કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ આ વર્ષે તેમનો જન્મદિવસ નહીં ઉજવવાનો નિર્ણય લીધો છે. આની પાછળનું કારણ એ છે કે દેશભરમાં મહિલાઓ પર થતા ગુનાઓ અને અત્યાચારની વધતી જતી ઘટનાઓ.

સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીએ કહ્યું કે દેશમાં બની રહેલી ઘટનાઓથી તેઓ ખૂબ જ દુખી છે, તેથી આ વખતે તેઓ જન્મદિવસ નહીં ઉજવશે. સોનિયા ગાંધી 9 ડિસેમ્બરને સોમવારે 73 વર્ષના થશે. સોનિયા ગાંધીનો જન્મ 1946માં થયો હતો.

તાજેતરમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાના કેસોમાં ઘણો વધારો જોવા મળ્યો છે. સાથે સાથે દેશમાં મોટા પાયા પર જન આક્રોશ ઉભો થાય તેવા અનેક કિસ્સા બહાર આવ્યા છે. મહિલાઓ વિરુદ્વની હિંસાથી આખો દેશ હચમચી ઉઠ્યો છે. આ ગુનાઓ અંગે દેશના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તેલંગાણામાં એક મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ અને ત્યારબાદ હત્યા કરી લાશને સળગાવવાનો મામલો સામે આવ્યો છે. 27 નવેમ્બરની રાત્રે આરોપીએ મહિલા ડોક્ટરની સાથે હૈદરાબાદમાં શૈતાનિયત કરી હતી. ડોક્ટર ઘરે પરત ફરી રહી હતી ત્યારે આરોપી દ્વારા ડોક્ટરની હત્યા કરવામાં આવી હતી અને તેને બાળી નાંખવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી. જેમનું શુક્રવારે સવારે એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.

જ્યારે બીજી તરફ ઉત્તર પ્રદેશનો બીજો એક કિસ્સો છે. જ્યાં ઉન્નાવ રેપ પીડિતાને જીવતી સળગાવી દેવામાં આવી હતી. આ કિસ્સામાં, પીડિત 95 ટકા સુધી બળી ગઈ હતી. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બંને ઘટનાઓને લઈને દેશમાં મહિલાઓની સુરક્ષાના મુદ્દે ઘણાં પ્રદર્શન જોવા મળી રહ્યાં છે.