ઠાકરે મંત્રી મંડળ ઘોંચમાં, 6 મંત્રીઓને ખાતા પણ ફાળવાયા નથી, આ રહ્યા કારણો

મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકાર રચાઈ ગઈ છે, પરંતુ હજુ કંઈ ઠેકાણે પડ્યું હોય તેમ લાગતું નથી. અગાઉ સોમવારે કેબિનેટના વિસ્તરણની વાત ચાલતી હતી, પરંતુ હવે શિવસેનાના સૂત્રોનું માનીએ તો તેરમી તારીખે એટલે કે આવતા શુક્રવારે વિસ્તણ થવાની શક્યતા છે. આનું એક કારણ એનસીપીમાં નાયબ મુખ્ય પ્રધાનપદને લઈને ચાલી રહેલી ઘમાસાણ છે.

દિલીપ વળસે પાટીલે નાયબ મુખ્ય પ્રધાન બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે જ્યારે આ પદ માટે અજિત પવારનું નામ લગભગ નક્કી છે. વળી, પવારને સિંચન કૌભાંડમાં ક્લીનચિટ મળતા તેમને આડે કોઈ અવરોધ નથી, પરંતુ એનસીપી વડા શરદ પવાર આ મામલે હજુ નિર્ણય લઈ શક્યા નથી. બીજી બાજુ કૉંગ્રેસમાં પણ કોને પ્રધાનપદ આપવું તે બાબતે અવઢવ છે. લાતુરના વિધાનસભ્ય અમિત દેશમુખ અને સોલાપુરની વિધાનસભ્ય પ્રણોતિ શિંદે માટે જોરદાર લોબિંગ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. બન્ને કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓના સંતાનો હોવાથી પક્ષના નેતાઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે. વિસ્તરણ સહિત ખાતાની ફાળવણી પણ બાકી છે.

6 પ્રધાને શપથ લીધાના નવ દિવસ બાદ પણ ખાતાની ફાળવણી થઈ શકી નથી. આ માટે પવાર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા, પરંતુ કોઈ નિર્ણય લેવાયાનું સામે આવ્યું નથી. એનસીપીના સૂત્રોનું માનીએ તો હજુ કોઈ તારીખ નક્કી નથી, એક બે દિવસમાં નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે. આથી વિસ્તરણ ક્યારે થશે તે કહેવું મુશ્કેલ છે.