હૈદ્રાબાદ અને ઉન્નાવ ઉપરાંત દેશભરામાં મહિલાઓ વિરુદ્વ બની રહેલા જાતીય હિંસા અને અત્યાચારના મામલે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ ઈન્સ્ટાગ્રામ પર ગુસ્સો વ્યક્ત કરી લખ્યું કે, બેટી બચાવો ફક્ત એક અભિયાન સુધી મર્યાદિત રાખી શકાય નહીં, પરંતુ તેનો અમલ પણ જરૂરી છે. ઈન્સ્ટાગ્રામ પર શિલ્પાએ અનેક ન્યૂઝને શેર કર્યા છે. આ ન્યૂઝમાં ઉન્નાવ પીડિતા વિશે પણ છે જેને આરોપી દ્વારા નિર્દયતાથી સળગાવી દેવામાં આવી હતી, અને બીજા સમાચાર પશ્ચિમ બંગાળના માલદામાં મહિલા પર કથિત બળાત્કાર અને હત્યા અંગેનાં છે.
રેપ અંગના ન્યૂઝ શેર કરતા શિલ્પા શેટ્ટે લખ્યું કે આપણાં દેશમાં મહિલાઓની અસુરક્ષા વિશે વાત કરી હતી, જેમાં દુષ્કર્મ પીડિતા સાથે ઉદાસીન વ્યવહાર કરવામાં આવે છે અને ગુનેગારો ખુલ્લેઆમ ફરતા હોય છે. શિલ્પા શેટ્ટીએ લખ્યું, ‘આપણાં દેશમાં મહિલાઓની સ્થિતિ અને ગૌરવ ખૂબ નિરાશાજનક છે. છેલ્લાં થોડા સમયથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. મોટાભાગની મહિલાઓ માટે દરરોજ બહાર નીકળવું ખૂબ મુશ્કેલ થઈ ગયું છે.
શિલ્પાએ લખ્યું કે એક સ્ત્રી તરીકે, બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓ અને તેમના પરિવારો પ્રત્યે ઉદાસીન અને નિર્દય વલણ જોઈને ઘૃણા આવે છે. દરરોજ અખબારમાં એવું વાંચવું કે આરોપીને જામીન મળી ગયા છે અને તે બહાર છે આવું કેમ? શા માટે? જેથી તેને વધુ એક ગુનો કરવાનો મોકો મળી જાય. દરેક ઉંમરની મહિલાઓ સાથે જે રીતે નિર્દયતાથી કૃત્ય આચરવામાં આવે છે તેને જોઈને મારા રૂંવાડા ઊભા થઈ જાય છે. હું એક દીકરાની માતા છું, જેથી હું એ દર્દને એ હદ સુધી અનુભવી ન શકું, જે દરરોજ દીકરીઓની માતા અનુભવે છે.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેની પોસ્ટમાં ટેગ કરતા શિલ્પા શેટ્ટીએ વધુમાં લખ્યું છે કે, ‘#બેટી બચાઓને માત્ર એક અભિયાન સુધી સીમિત રાખવું ન જોઈએ. હું તમારા પ્રશાસનને કડક કાયદાઓ લાગુ કરવા આગ્રહ કરું છું, જેનાથી ન માત્ર ભવિષ્યના ગુનેગારોને રોકવામાં આવે બલ્કે સુનાવણી હેઠળ રહેલાં ગુનેગારોને પણ સજા આપવામાં આવે, સાથે જ આ કાર્યવાહીઓને જલ્દી સમાપ્ત કરવાની જરૂર છે કારણ કે ન્યાયમાં વિલંબતા ન્યાન ન મળવા જેવું છે. જય હિંદ.