આનંદો: કાંદાના વધેલા ભાવ પર ટૂંક સમયમાં આવી રીતે લાગશે બ્રેક

કાંદાના દર આગામી આઠ-દસ દિવસમાં સામાન્ય નાગરિકોને રાહત આપે એવી શકયતા છે. કાંદા ઉત્પાદન પટ્ટામાં ઠંડી પડવા લાગતા કંઇક અંશે સારો માલ આવવા લાગ્યો છે. કેન્દ્ર સરકારે આયાત કરેલા કાંદા પણ બજારમાં દાખલ થવા લાગ્યા છે. એવામાં કાંદાની આવક થોડી વધી હોવાથી મહિનાના અંત સુધીમાં દર સામાન્ય થાય એવા સંકેત મળી રહ્યા છે.

કમોસમી વરસાદને કારણે કાંદાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતા તેના ભાવ સતત વધી રહ્યા છે. ઑગસ્ટ મહિનામાં પ્રતિ કિલો 25 રૂપિયાના ભાવે વેચાઇ રહેલા કાંદાનો દર ધીમે ધીમે 40,48,60,80,100,120થી 150 રૂપિયા કિલો સુધી પહોંચ્યા છે. સદ્નસીબે કાંદા ઉત્પાદન પટ્ટામાં ઠંડી પડવા લાગી છે, તેથી દર ધીમે ધીમે ઘટે એવી શકયતા છે.

કાંદાના વેપારીના જણાવ્યા અનુસાર કાંદાની આવકમાં હાલમાં સહેજ વધારો થયો છે. અગાઉ આવી રહેલા કાંદા પ્રમાણમાં થોડા ભીનાશ પડતા હતા. ઠંડી પડવાની શરૂઆત થઇ હોવાથી આવનારો માલ ઘણો સારો છે. તુર્કી, ઇરાન, ઇજિપ્તના કાંદા પણ બજારમાં આવવા લાગ્યા છે, તેથી આગામી કેટલાક દિવસોમાં દર નક્કી ઓછા થશે. જાન્યુઆરીના પહેલા અઠવાડિયા સુધીમાં તે સામાન્ય થાય એવી શકયતા છે.

ગયા અઠવાડિયા સુધીમાં રોજ 60થી 70 ગાડી કાંદાની આવક થતી હતી. હવે તે આકડો 80થી વધુ ગાડીઓ જેટલો થયો છે. આવક થોડી વધતા હૉલસેલ માર્કેટમાં કાંદાનો 120 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ ઘટીને હવે 80થી 100 રૂપિયા કિલો સુધી આવ્યો છે.