28 દિવસ બાદ સ્વર કિન્નરી લતા મંગેશકરને હોસ્પિટલમાંથી રજા અપાઈ, હતી આ તકલીફ

સ્વર કિન્નરી લતા મંગેશકર ચાર અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ હતા. આજે એટલે કે રવિવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. લતા મંગેશકરે પોતાના માટે પ્રાર્થના કરનાર તમામનો આ તબક્કે આભાર માન્યો છે.

90 વર્ષીય લતા મંગેશકરનો ન્યુમોનિયાનો ઈલાજ કરવામાં આવ્યો હતો. 11મી નવેમ્બરે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

લતા મંગેશકરે ટવિટર મારફત પોતાના આરોગ્યની જાણકારી આપી હતી અને પ્રાર્થના તથા શૂભેચ્છા વ્યક્ત કરનારા પ્રશંસકોનો આભાર માન્યો હતો. લતા મંગેશકરે ટવિટ કરીને જણાવ્યું કે પાછલા દિવસોમાં બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં હતી. મારી ન્યૂમોનિયાની સારવાર કરવામાં આવી છે. ડોક્ટરોએ હોસ્પિટલમાં સંપૂર્ણ સારવાર કર્યા બાદ જ ઘરે જવાની મંજુરી આપી છે.

તેમણે જણાવ્યું કે માઈ અને બાબાના આશિર્વાદથી ઘરે પરત ફરી છું. હું તમામ શૂભચિંતકોની આભારી છું. તમારી પ્રાર્થના અને શૂભેચ્છા કામ કર્યું અને હું વિનમ્રતાથી તમામને નમન કરું છું.

લતાજીએ સારવાર કરનારા ડોક્ટરોનો પણ આભાર માન્યો છે. તેમણે લખ્યું કે બ્રિચ કેન્ડીમાં ડોક્ટરો મારા અભિભાવક રહ્યા અને તેમનો અંતરમનથી આભાર માનું છું. નર્સિંગ સ્ટાફ અસાધારણ છે. તમારો અપાર પ્રેમ અને આશિર્વાદ બહૂમૂલ્ય છે.