હાફીઝ સઈદને બચાવવાનો ચોંકાવનારો ખેલ, જજ પણ થઈ ગયા ફેલ

આતંકવાદ અંગે પાકિસ્તાનની સરકારે કેટલાય બણગાં ફુંકે પણ સત્ય કંઈક બીજું જ છે. મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ અને પ્રતિબંધિત જમાદ-ઉદ-દાવાનો વડો હાફિઝ સઈદ પર ટેરર ફંડીંગ અંગે લાહોરની કોર્ટમાં આરોપ નક્કી કરી શકાયા નહીં. આતંકવાદી હાફિઝ સઇદની શનિવારે આ હાઈપ્રોફાઈલ સુનાવણી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ આ કેસનો બીજો આરોપી મલિક ઝફરને અધિકારીઓ કોર્ટમાં રજૂ કરી શક્યા ન હતા. આને કારણે આ સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી.

સમાચાર એજન્સી ડોનના રિપોર્ટ મુજબ, કોર્ટના જજ મલિક અરશદ ભુટ્ટાએ આરોપીઓની ગેરહાજરી હોવાને કારણે સુનાવણી 11 ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે. હવે આ સુનાવણી ફરીથી કરવામાં આવશે. બીજી તરફ, જમાદ-ઉદ-દાવાના ઘણા નેતાઓએ આરોપ લગાવ્યો છે કે તેમના ઉપરના આક્ષેપો પાયાવિહોણા છે અને પાકિસ્તાન સરકાર આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ કામ કરી રહી છે.

કોર્ટના એક અધિકારીએ સુનાવણી પછી કહ્યું કે હાફીઝ સઇદ અને અન્ય લોકો વિરુદ્ધ ટેરર ફંડીંગ સંબંધમાં આતંકવાદ વિરોધી અદાલત -1માં સુનાવણી કરવામાં આવનારી હતી પરંતુ આશ્ચર્યજનક રીતે સહ આરોપી મલિક ઝફર ઇકબાલને કોર્ટમાં હાજર રાખવામાં આવ્યો ન હતો.

અદાલતના અધિકારીએ કહ્યું કે જજ અરશદ હુસેન ભટ્ટાએ અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે 11મી ડિસેમ્બરે મલિક ઝફર ઈકબાલને કોઈ ચૂક વિના કોર્ટમાં હાજર રાખવામાં આવે. પંજાબ પોલીસના આતંકવાદ વિરોધી દળ (સીટીડી)એ હાફિઝ સઇદ અને તેના સાગરિતો વિરુદ્ધ પંજાબના અનેક શહેરોમાં ટેરર ફંડીંગના આરોપ હેઠળ 23 એફઆઈઆર નોંધી હતી અને 17 જુલાઇએ તેની ધરપકડ કરી હતી.

ભારત સરકારે ફરી એક વાર પુનરોચ્ચાર કર્યો છે કે અમે તમામ પુરાવા પાકિસ્તાન સાથે શેર કર્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે શુક્રવારે નવી દિલ્હીમાં કહ્યું હતું કે, મુંબઈ હુમલાના દોષિતો સામે કાર્યવાહી કરવાની પાકિસ્તાનની જવાબદારી છે.