મહારાષ્ટ્ર ભાજપના વધુ એક નેતાના બાગી તેવર, એવું શું કહ્યું કે જેનાથી ભાજપની ચિંતા વધી ગઈ

ભાજપના નેતા એકનાથા ખડસેએ મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ અંગે પોતાની નારાજગી જાહેર કરી કહ્યું કે જો તેમનું વારંવાર અપમાન કરવાનું ચાલુ રહ્યું તો અન્ય વિકલ્પો પર વિચારણા કરશે.એકનાથ ખડસેની ચીમકીથી ભાજપની ચિંતામાં વધારો થાય એ સ્વભાવિક છે આ પહેલાં પંકજા મૂંડે પોતાનો મિજાજ બતાવી ચૂક્યા છે.

અલબત્ત, તેમણે કહ્યું હતું કે 21મી ઑક્ટોબરની વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ભાજપના અન્ય ઉમેદવારો અને અન્ય લોકોની પક્ષ વિરુદ્ધની કામગીરીના પુરાવા તેમની પુત્રીની આગેવાનીમાં પક્ષને રજૂ કરવામાં આવ્યા હતા.

અહીં પક્ષની ઉત્તર મહારાષ્ટ્ર કોર કમિટીની મીટિંગ પછી પક્ષના વડા ચંદ્રકાંત પાટીલને ખડસે મળ્યા હતા. તેમના મળ્યા પછી અહીં ઉપસ્થિત પત્રકારોને તેમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય જનતા પક્ષની રાજ્ય કક્ષાની નિર્ણય સંબંધિત પ્રક્રિયા તથા કોર કમિટીની મીટિંગમાંથી તેમને અળગા રાખવામાં આવ્યા હતા, એવું તેમણે જણાવ્યું હતું.

‘હું કાંઈ ભગવાન નથી. હું સંવેદનશીલ માણસ છું. ચાર દાયકાથી જેમણે પક્ષના વિકાસ માટે સખત કામ કર્યું છે લોકો અને પક્ષને છોડવા હું માગતો નથી. હું આજે પણ પક્ષ સાથે કામ કરવા તૈયાર છું. આમ છતાં જો પક્ષમાંથી મારું વારંવાર અપમાન કરવામાં આવ્યું એટલે કે નિર્ણય પ્રક્રિયામાંથી પણ જો મને બાકાત રાખવામાં આવશે તો અન્ય વિકલ્પ પર વિચારણા કરીશ, એવું તેમણે જણાવ્યું હતું.