ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો: પારો ફરીથી ગગડ્યો

જરાતભરમાં ઠંડીના પ્રમાણમાં એકાએક તીવ્ર વધારો થઇ ગયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ફરી એકવાર ઘટાડો થયો છે. નલિયામાં પારો ગગડીને 15.6 ડિગ્રી થયો છે. આવી જ રીતે ડિસામાં પણ લઘુત્તમ તાપમાન 15.6 સુધી નીચું રહ્યું છે. અમદાવાદમાં સવારથી જ ઠંડીનો ચમકારો રહ્યો હતો. લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી રહેતા લોકો દિવસ દરમિયાન પણ ગરમ વસ્ત્રોમાં દેખાયા હતા.

હવામાન વિભાગના કહેવા મુજબ આવતીકાલે અમદાવાદમાં મુખ્યરીતે વાદળછાયુ વાતાવરણ રહેશે નહીં. આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થશે નહીં પરંતુ ત્યારબાદ બેથી ત્રણ દિવસ દરમિયાન પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટી શકે છે. વહેલી સવારમાં અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.

મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વસ્ત્રોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે.

ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં હાલ ફેરફાર નહીં થાય તેમ માનવામાં આવે છે.

આજે સવારે પણ ઠંડી નોંધાઇ હતી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવે ઠંડીનો અનુભવ થવા લાગી ગયો છે. વિશેષ કરીને સવારમાં વધુ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. નલિયામાં ગઇકાલની સરખામણીમાં આજે તાપમાનમાં ઉલ્લેખનીયરીતે ઘટ્યો હતો. હજુ નલિયામાં પારો ગગડે તેવા સંકેત છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા વિસ્તારોમાં નિચલી સપાટી ઉપર ઉત્તરીય પૂર્વથી પૂર્વીય પવાનો ફુંકાવાથી તાપમાનમાં નજીવા ફેરફારની સ્થિતિ રહેશે. આજે સવારે અમદાવાદમાં વાતાવરણ ધુમ્મસવાળું રહ્યું હતું અને ઠંડી અનુભવાઈ હતી. ભાવનગરમાં લઘુત્તમ તાપમાન 19.4 ડિગ્રી રહ્યું છે. ભુજમાં પણ પારો ગગડીને 16.6 ડિગ્રી થયું છે. રાજકોટમાં પણપારો 16.2 ડિગ્રી રહ્યું છે. હાલમાં હવામાનમાં આવેલા પલટાને પરિણામ સ્વરુપે એકાએક ઠંડી વધી ગઈ છે. પડોશી રાજ્ય રાજસ્થાનમાં જોરદાર ઠંડી છે.