ઉન્નાવ પીડિતાના મોત બાદ યોગી સરકારની મલમપટ્ટી, 25 લાખનું વળતર, ઘર અપાશે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉન્નાવ ગેંગરેપ પીડિતાના મોતને અત્યંત દુઃખદ ગણાવતા ઉમેર્યું હતું કે, પીડિતાનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવાશે અને તમામ આરોપીઓને કડક સજા કરવામાં આવશે. આ ઉપરાંત સીએમ યોગીએ પીડિતાના પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર અને ઘર આપવાની જાહેરાત કરી છે.

સીએમ યોગીએ જણાવ્યું હતું કે, ગેંગરેપની પીડિતાને સળગાવનાર તમામ આરોપીઓ ઝડપાઈ ગયો છે અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવાશે તેમજ આરોપીઓને સજા કરવામાં આવશે. પીડિતાએ ગઈકાલે દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ ભર્યા હતા. પીડિતા ગેંગરેપ કેસમાં કોર્ટમાં હાજર થવા માટે જઈ રહી હતી તે જ વખતે જામીન પર છૂટેલા આરોપીઓએ તેને આંતરી હતી અને તેને જીવતી સળગાવી દીધી હતી. ૯૦ ટકા જેટલી દાઝી જવાથી તેને સૌપ્રથમ લખનઉ હોસ્પિટલમાં અને ત્યારબાદ દિલ્હી સફદરગંજ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં શુક્રવારે મોડી રાત્રે તેણે દમ તોડ્યો હતો.

મારી બહેનોના હત્યારાઓને ફાંસીએ લટકાવી દોઃ પીડિતાનો ભાઇ

ઉન્નાવના દર્દનાક રેપ કાંડ બાદ પીડિતાને કોર્ટમાં જતી વખતે આંતરીને જીવતી સળગાવનાર નરાધમોને કડક સજા કરવાની માંગ પીડિતાના ભાઈએ કરી છે. બહેનના મોત બાદ ભાઈએ જણાવ્યું કે ‘મારી બહેનને ત્યારે જ ન્યાય મળ્યો ગણાશે જ્યારે આરોપીઓને એ સ્થાને મોકલાશે જ્યાં મારી બહેન જતી રહી છે.

તેણે મને કહ્યું હતું કે- ભાઈ મને બચાવી લે. હું ખુબ જ દુઃખી છું કે હું તેને બચાવી ના શક્યો.’ પીડિતાના ભાઈએ આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર કરવા અથવા ફાંસીએ લટકાવી દેવાની માંગ કરી હતી. તેણે કહ્યું કે ‘આવા લોકોને જીવવાનો કોઈ જ અધિકાર નથી.’ ઉન્નાવ પીડિતાને ન્યાય અપાવવા માટે ભાઈએ પોતાની હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું કે, ‘અમે હવે અહીંથી (દિલ્હીથી) બિહાર જઈશું. બહેનની લાશને આરોપીઓએ સળગાવી દીધી હોવાથી અમે હવે તેની દફનવિધિ જ કરીશું.

હૈદરબાદની જેમ મારી દિકરીના આરોપીઓને પણ ઠાર મારોઃ પીડિતાના પિતા

પીડિતાના પિતાએ અગ્રણી મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે જે રીતે હૈદરાબાદ કાંડના આરોપીઓને માર્યા એવી જ રીતે અમારી દીકરીના દરિંદોને દોડાવી-દોડાવીને મારવા જોઇએ અથવા તો ફાંસી આપવી જોઇએ. તેમણે કહ્યું કે આરોપીઓને સજા મળ્યા બાદ દીકરીના આત્માને શાંતિ મળશે.

પરિવારને મળી જાનથી મારી નાંખવાની ધમકી

પીડિતાના પિતાએ કહ્યું કે દીકરીની સાથે રેપની વારદાત બાદથી પ્રધાનના ઘરેથી આખા પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી મળતી રહી અને અમારી સાથે મારપીટ પણ કરી. તેમણે યોગી સરકાર પાસે ન્યાયની મદદ માંગતા કહ્‌ુયં કે અમે પૈસા કે કોઇ વસ્તુના લાલચી નથી, અમે ઇચ્છીએ છીએ કે આરોપીઓને સજા થાય અને અમને ન્યાય મળે. જેથી કરીને અમારી દીકરીના આત્માને શાંતિ મળી શકે.