ઉન્નાવ બળાત્કારના કેસનો વિરોધ કરતી એક મહિલાએ નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલની સામે પોતાની 6 વર્ષની બાળકી પર પેટ્રોલ છાંટી દીધું હતું. મહિલાએ વિરોધ દર્શાવવા માટે આ કર્યું હતું પરંતુ આ ઘટનામાં 6 વર્ષની બાળકીની હાલત વધુ કથળી હતી. હાલ બાળકીની હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સારવાર ચાલી રહી છે. દિલ્હી પોલીસે મહિલાની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલા ઉન્નાવ રેપ પીડિતાના મોતથી ગુસ્સામાં હતી અને તેથી જ તેણે આ રીતે વિરોધ પ્રદર્શનનો માર્ગ પસંદ કર્યો. જોકે, વિરોધને કારણે તેણે પોતાની નિર્દોષ 6 વર્ષની પુત્રીનું જીવન જોખમમાં મૂકી દીધું છે.
તમને જણાવી દઈએ કે ઉન્નાવ બળાત્કાર પીડિતાનું ગઈકાલે રાત્રે મોત નીપજ્યું હતું. જે બાદ આજે તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ બાદ ઉન્નાવ લઈ જવાયો છે.
જ્યારે બીજી તરફ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પીડિતાના પરિવારને મળવા ઉન્નાવ પહોંચ્યા હતા અને તેમના દુખમાં સહભાગી થયા હતા. આ સાથે હૈદરાબાદ એન્કાઉન્ટર અને ઉન્નાવ ગેંગરેપનો મામલો દેશમાં વધુ સંવેદનશીલ બન્યો છે. આ સનસનાટીભર્યા પ્રકરણમાં બળાત્કારના કેસનો વિરોધ કરનારી મહિલાએ પણ વિરોધ કર્યો હતો અને તેના જ બાળક પર પેટ્રોલ છાંટી દીધું છે.
આ ઉપરાંત યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ યુપીમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ અને મહિલાઓની સુરક્ષાને લઈને લખનૌમાં વિધાન ભવનની બહાર ધરણા કર્યા હતા. જ્યારે પોલીસે ભાજપ કાર્યાલયની બહાર વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો ઉપર લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
હૈદ્રાબાદ અને ઉન્નાવ સામૂહિક બળાત્કાર બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકોએ બળાત્કારના ગુનેગારોને હૈદરાબાદ એન્કાઉન્ટરની જેમ મારવાની વાત શરૂ કરી દીધી છે, આખું સોશિયલ મીડિયા આવી પોસ્ટ્સથી ભરેલું છે, અગાઉના ઉન્નાવ રેપ કેસમાં પણ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર વિશે ઘણું પોસ્ટ કરવામાં આવી રહ્યું છે અને સજાની માંગ કરવામાં આવી રહી છે.