ડાંગ જિલ્લામાં વિદ્યાર્થીની પર શિક્ષકે આચર્યું દુષ્કર્મ

હૈદ્રાબાદમાં પોલીસ એન્કાઉન્ટરમાં દુષ્કર્મના આરોપીઓને ઠાર માર્યા પછી સમગ્ર દેશની મહિલાઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે, પણ ગુજરાતમાં છોકરીઓ વિરૃદ્ધના દુષ્કર્મના કેસો ઘટવાનું નામ નથી લઈ રહ્યા અને હવે તો એક શિક્ષકે જ સ્કૂલની વિદ્યાર્થીનીને પોતાની હવસનો શિકાર બનાવી છે. આ ઘટના ડાંગ જિલ્લાની છે.

શિક્ષકની પત્નીએ દુષ્કર્મી પતિનો ભાંડાફોડ કરતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. ડાંગમાં 17 વર્ષની વિદ્યાર્થીની પર ખુદ શાળાના શિક્ષકે જ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સ્કૂલના આચાર્ય અને શિક્ષક વચ્ચેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે તો આ મામલે શિક્ષકની પત્નીએ જ હવસખોર પતિની આ કરતૂતની જાણ પોલીસને કરી હતી જે પછી વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

શિક્ષકની પત્નીએ પોલીસને દુષ્કર્મની જાણ કરતા પોલીસે આરોપી સામે તપાસ શરૃ કરી છે તો આ મામલે શાળા સંચાલકોએ પણ શાળામાંથી શિક્ષકની હકાલપટ્ટી કરી દીધી છે. જે શિક્ષકોના સિરે બાળકોને સારા સંસ્કારના સિંચનની જવાબદારી છે તે જ શિક્ષક માસુમ ફૂલ જેવી વિદ્યાર્થીનીઓને પીંખી નાખશે તો આ દેશનું શું થશે. ગુરુની પદવી આપતા લોકોમાં શિક્ષકનું શું માન રહેશે.