‘બન્ટી ઔર બબલી’ આ વખતે શું વેચવા જશે?

રાની મુખરજી અને સૈફ અલી ખાનની બહુ રાહ જોવાતી ઠગાઇના વિષયવાળી ફિલ્મ ‘બન્ટી ઔર બબલી ટુ’ 2020માં રિલીઝ થવાની છે. ‘ગલી બૉય’ ફેમ સિદ્ધાંત ચતુર્વેદી અને શરવરી વાઘ પણ આ ફિલ્મના ભાગ બન્યા છે. તેમણે થોડા સમય પહેલા જ ફિલ્મનું શૂટિંગ કર્યું. હવે સૈફ અને રાની પણ બહુ જલદી તેનું શૂટિંગ શરૂ કરે તેવી શક્યતા છે. રાની મુખરજી ‘બન્ટી ઔર બબલી’માં મુખ્ય અભિનેત્રી હતી અને તેના પર્ફોર્મન્સના બહુ વખાણ થયા હતા. હવે તેની આ સીક્વલમાં ઘણું બધું ઉમેરાશે.

આ પહેલા રાનીએ ‘મર્દાની’ અને ‘હિચકી’ જેવી મહિલાકેન્દ્રિત ફિલ્મો પણ કરી લીધી છે. આ ફિલ્મોને સારો પ્રતિસાદ મળ્યો હતો. હિચકી ફિલ્મને તો વિવેચના પણ સારી મળી હતી. હવે રાની ‘મર્દાની ટુ’ પણ કરી રહી છે. અગાઉની મૂળ ફિલ્મમાં તે પોલીસ અધિકારી બની હતી. આ ફિલ્મ પોલીસ પર આધારિત વાર્તા ધરાવતી હતી. હવે બીજા ભાગમાં પણ તે પોલીસનો જ રોલ કરી રહી છે. હવે ‘બન્ટી ઔર બબલી ટુ’માં તે દર્શકોને કંઇક નવું આપશે. તેમાં કૉમેડી પણ હશે અને એકશન પણ. આથી દર્શકોને મજા આવશે. પહેલી ફિલ્મ બહુ રમૂજી હતી અને દર્શકોને બહુ ગમી હતી. હવે બીજીમાં શું નવીનતા જોવા મળે છે તેની રાહ જોઇએ.

રાની આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી, ૨૦૨૦માં શરૂ કરવાની છે. તે પહેલા તે ‘મર્દાની ટુ’નું પ્રમોશન પૂરું કરી લેશે અને ફિલ્મ રજૂ થશે પછી ‘બન્ટી ઔર બબલી ટુ’ શરૂ કરશે. લગભગ માર્ચ મહિનાના મધ્ય ભાગમાં તે શૂટિંગ શરૂ કરશે. પહેલા સૈફ અલી આ ફિલ્મમાંથી નીકળી ગયો હતો. તેને રોલથી સંતોષ ન હતો, પણ પછી સર્જક સાથે તેની સમજૂતી થઇ જતા ફરી તે ફિલ્મમાં આવી ગયો છે. તેના રોલ વિશે રહસ્ય રાખવામાં આવ્યું છે. સૈફ અલી ખાન અને રાની મુખરજીની જોડી ઘણા સમય પછી ફરી જોવા મળશે. બૉલીવૂડની આ ચહિતી જોડી છે. અગાઉની તેમની ફિલ્મોએ દર્શકોને આકર્ષ્યા હતા. તેમની કેમિસ્ટ્રી ‘હમ તુમ’, ‘તા રા રમ પમ’ અને ‘થોડા પ્યાર થોડા મેજિક’ જેવી ફિલ્મોમાં જામી હતી.

યશરાજ ફિલ્મ્સે આ ત્રણેય ફિલ્મો બનાવી હતી અને હવે ‘બન્ટી ઔર બબલી ટુ’નું પણ નિર્માણ કરી રહ્યા છે. અગાઉની ફિલ્મમાં અભિષેક બચ્ચન મુખ્યહીરો હતો અને હવે રાની મુખરજી સાથે સૈફ છે. અભિષેક બચ્ચનને આ રોલ ઓફર થયો હતો, પણ પછી સૈફની એન્ટ્રી થઇ ગઇ. પ્રથમ ફિલ્મ શાદ અલીએ ડિરેક્ટ કરી હતી. હવે આ બીજી ફિલ્મ નવા દિગ્દર્શક વરુણ વી. શર્મા ડિરેક્ટ કરી રહ્યા છે, જેઓ અલી અબ્બાસ ઝફરના સહાયક હતા.

રાની મુખરજી અત્યારે ઘર અને ફિલ્મ બંનેમાં વ્યસ્ત છે. ઘરમાં બાળકોને સંભાળવા સાથે તે એક પછી એક ફિલ્મો પણ સમયાંતરે કરી રહી છે. તેના વ્યક્તિત્વને છાજે તેવી ફિલ્મોમાં તે ક્ેન્દ્રિય રોલ કરે છે. આમ, તેની ગાડી ધીમે ધીમે ચાલી રહી છે. જોકે, યશરાજની ધૂરા તેમના ઘરમાં જ હોવાથી તેને વાંધો આવે તેમ નથી. મન થાય ત્યાં સુધી તે ફિલ્મો કરી શકે છે.