નવા વર્ષથી ડ્રાઈવીંગના નિયમોમાં મોદી સરકાર કરશે મોટા ફેરફાર, આ વસ્તુઓ થશે ફરજિયાત

જો બધું બરાબર ચાલ્યું તો નવા વર્ષમાં ડ્રાઇવીંગને લગતા નિયમો બદલાશે. હા, પહેલી એપ્રિલ-2020થી વાહનોના દસ્તાવેજો, એટલે કે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી), ડ્રાઇવિંગ લાયસન્સ (ડીએલ), પ્રદૂષણ પ્રમાણપત્ર(પીયુસી) અને મોબાઇલ નંબર સહિતના અન્ય વિગતો સાથે લીંક કરવાની જરૂર રહેશે.

મળતી માહિતી મુજબ આ અંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં નિયમ અંગે લોકોનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે.

આ સંદર્ભમાં તમે તમારા સૂચનો 29 ડિસેમ્બર સુધીમાં માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયને મોકલી શકો છો. સરકારની આ પહેલ વાહનના માલિકના મોબાઇલ નંબરને વાહનના દસ્તાવેજો સાથે જોડીને વાહન ચોરીની માહિતી મેળવવામાં મદદ કરશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે વાહનના દસ્તાવેજો સાથે મોબાઇલ નંબરને લીંક કરવાથી વાહનની ચોરી પર બ્રેક લાગશે અને ખરીદી અને વેચાણમાં પાર્દર્શિતા આવશે. ચોરીના વાહના વેચાણ પર પણ અંકૂશ આવશે.

વાહન ડેટા બેઝમાં મોબાઈલ નંબર લીંક કરવા  ઉપરાંત, કોઈપણ વ્યક્તિનું લોકેશન જીપીએસ ઉપરાંત મોબાઇલ નંબરની મદદથી શોધી શકાય છે.

આમાં માર્ગ અકસ્માતમાં ભાગી ગયેલા વાહનચાલકને શોધી કાઢવામાં પણ સહાય મળશે. પોલીસ તરત જ અક્સ્માત કરનાર વાહનચાલકને શોધી શકશે. આ સિવાય ભ્રષ્ટાચારથી પણ રાહત મળશે.