કાલાવડ-ધોરાજી માર્ગ પર કાળમુખી ટ્રક ભટકાઈ, દરગાહેથી પરત થતાં 6નાં મોત, બે ગંભીર

કાલાવડ, જુનાગઢ ધોરીમાર્ગ પર આવેલા ભાવાભી ખીજડીયા ગામ પાસે ગઈકાલે સાંજે જામનગરના બેડીના બે પરિવારની ઈક્કો મોટર સાથે સામેથી કાળ બનીને ધસી આવેલા એક ટ્રકે અકસ્માત સર્જતા એક પરિવારના ચાર સભ્યો અને બીજા પરિવારના બે સભ્યના મૃત્યુ નિપજ્યા છે. ઘટનાસ્થળે જ પાંચ લોકો મોતને શરણ થયા પછી સારવારમાં ખસેડાયેલા ત્રણ પૈકીના એક યુવતીનું મૃત્યુ નિપજતા અકસ્માતનો મૃત્યુ આંક 6નો થયો છે. પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રકચાલક સામે ગુનો નોંધ્યો છે.

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા અને બેડીમાં જ રાજા પાન નામની દુકાન ચલાવતા શબ્બીરભાઈ મહમદભાઈ નોતીયાર (ઉ.વ. ૩૮) અને તેમના પત્ની નુરજહાંબેન (ઉ.વ. ૩૦), પુત્ર રેહાન (ઉ.વ. ૧૦), પુત્રી મેઝબીન (ઉ.વ. ૧૨), બીજા પુત્ર મનાઝીર (ઉ.વ. દોઢ) તેમજ બાજુમાં રહેતા આઈશાબેન હાજીભાઈ મોદી (ઉ.વ. ૪૦), તેમના પુત્ર નવાઝ (ઉ.વ. ૨૦), પુત્રી રીઝવાના (ઉ.વ. ૧૮) સાથે ગઈકાલે શબ્બીરભાઈ મહમદહુસેન નોતીયારની જીજે-૧૦-બીઆર-૩૭૨ નંબરની ઈક્કો મોટરમાં બાવળાવદર નજીક આવેલી કામલશાપીરની દરગાહ પર માથુ ટેકવવા માટે ગયા હતાં.

ઉપરોક્ત બન્ને પરિવારે દરગાહે દર્શન કર્યા પછી જામનગર તરફ આવવા પ્રયાણ કર્યું હતું. આ મોટર જ્યારે કાલાવડથી જુનાગઢ વચ્ચેના હાઈવે પર જામકંડોરણાથી આગળ પહોંચી ત્યારે ભાવાભી ખીજડીયા પાસે ગોળાઈમાં સામેથી ધસી આવેલા જીજે-૮-યુ-૧૧૭૫ નંબરના ટ્રકે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. ટ્રકની ભીષણ ટક્કરથી ઈક્કો મોટરનું પડીકું વળી ગયું હતું.

ધોરીમાર્ગ માનવ મરણ ચીસોથી ગાજી ઉઠ્યો હતો. ગંભીર ઈજા પામેલા શબ્બીરભાઈ, નુરજહાંબેન, મહેઝબીન, મનાઝીર તથા આઈશાબેનના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતાં જ્યારે રીઝવાના, રેહાન અને નવાઝ ઘવાયા હતાં. અંદાજે સાંજે સવા પાંચેક વાગ્યે સર્જાયેલા અકસ્માતના આ સ્થળેથી પસાર થતા અન્ય વાહનો થંભ્યા હતાં. કોઈએ ૧૦૮ તથા પોલીસને જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડ્યો હતો. પીએસઆઈ એસ.એમ. રાદડીયા તથા સ્ટાફે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની તજવીજ કરી હતી. ત્રણેય ઈજાગ્રસ્તને પ્રથમ જામકંડોરણા દવાખાને લઈ જવામાં આવ્યા પછી વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાયા હતાં. જ્યાં રીઝવાનાબેનનું આજે સવારે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા અકસ્માતનો મૃત્યુ આંક ૬નો થયો છે.

ઉપરોક્ત અકસ્માત અંગે બેડીમાં પાન-બીડીનો વેપાર કરતા અમીન ઈસ્માઈલભાઈ નોતીયારના નિવેદન પરથી પીએસઆઈ એસ.એમ. રાદડીયાએ ટ્રકનાચાલક સામે આઈપીસી ૩૦૪ (અ), ૨૭૯, એમવી એક્ટની કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે. અકસ્માત સમયે ઈક્કો મોટર શબ્બીરભાઈ જ ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. એક જ પરિવારના ચાર વ્યક્તિઓના અને સાથે ગયેલા પાડોશી પરિવારના બે વ્યક્તિના અકસ્માતમાં મૃત્યુ નિપજતા બેડીમાં ગમગીની પ્રસરી ગઈ છે. પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રકચાલકની શોધ આરંભી છે.