ભારતમાં ગ્રાહકોની વિશ્વસનિયતા પાંચ વર્ષના તળિયે

ગ્રાહકોના વિશ્વાસનું સ્તર એટલે કન્ઝ્યુમર કોન્ફિડન્સ છેલ્લા પાંચ વર્ષની એટલે કે 2014 પછીની નીચલી સપાટીએ આવી ગયું છે. નરેન્દ્ર મોદી 2014માં જ પ્રથમ વખત વડાપ્રધાન બન્યા હતાં. આરબીઆઈના કન્ઝ્યુમર કોન્ફિડેન્સ સર્વે પ્રમાણે, ધ કરન્ટ સિચ્યુએશન ઈન્ડેક્સ જે સપ્ટેમ્બરમાં 89.40 ટકા હતો તે નવેમ્બરમાં ઘટીને 85.70 ટકા રહ્યો હતો. ઈન્ડેક્સમાં 100નો આંક નિરાશાવાદ અને આશાવાદને વિભાજિત કરતો આંક છે.

એક વર્ષ પછીની સ્થિતિની રખાતી અપેક્ષાનો આંક પણ 118.0 પરથી ઘટી 114.50 રહ્યો છે. એશિયાના ત્રીજા મોટા અર્થતંત્રમાં ઘેરી મંદી અને રોજગારીને લઈને વધી રહેલી ચિંતાઓ વચ્ચે કન્ઝ્યુમર કોન્ફિડેન્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશના નોન બેંકીંગ ફાઈનાન્સ ક્ષેત્ર (એનબીએફસી) માં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી નાણાભીડને કારણે ધિરાણ ખેંચ ઊભી થઈ છે જેને પરિણામે ઘરેલું ઉપભોગ પર અસર પડી છે. દેશના અર્થતંત્રમાં ઘરેલું કન્ઝમ્પશનનો હિસ્સો 60 ટકા રહે છે. આને કારણે દેશનો આર્થિક વિકાસ દર સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ઘટીને 6 વર્ષની નીચી સપાટીએ રહ્યો છે.

રિઝર્વ બેંક દ્વારા દેશના 13 મોટા શહેરોમાં 5334 પરિવારોનો સર્વે કરીને આ ઈન્ડેક્સ તૈયાર કરાયો છે. અર્થતંત્રની સામાન્ય સ્થિતિ, રોજગાર વાતાવરણ, આવક તથા ખર્ચ અને ભાવની સ્થિતિ જેવી બાબતો પર ઉપભોગતાઓના ખ્યાલો અને અપેક્ષાઓ જાણવા આ સરવે કરાયો હતો. સરવેમાં ભાગ લેનારા મોટાભાગનાઓએ છેલ્લા એક વર્ષમાં ભાવ વધ્યા હોવાનો મત વ્યક્ત કર્યો હતો અને આગામી એક વર્ષમાં તેમાં વધારો થવાની પણ શક્યતા વ્યક્ત કરી હતી. જે ફૂગાવાજન્ય દબાણ નજીકના ગાળામાં ચાલુ રહેવાના સંકેત આપે છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નાણા નીતિની સમીક્ષા બેઠકના અંતે ગુરુવારે દેશનો વર્તમાન વર્ષનો આર્થિક વિકાસદરનો અંદાજ 6.10 ટકા પરથી ઘટાડી પાંચ ટકા કર્યો છે. આ ઉપરાંત ફૂગાવાનું સ્તર પણ અપેક્ષા કરતા ઊંચુ હોવાનું કબુલ્યું હતું. આ સર્વેમાં દેશના ૧૩ મોટા શહેરોના 5334 લોકોએ ભાગ લીધો હતો.