આ કારણોસર હૈદ્રાબાદ એનકાઉન્ટરમાં માર્યા ગયેલા આરોપીઓની લાશ પરિવારજનોને સોંપાશે નહીં

હૈદ્રાબાદ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવેલા રેપના નરાધમોના મૃતદેહોને નવમી ડિસેમ્બર સુધી સુરક્ષિત રાખવા માટે તેલંગાણા હાઇકોર્ટે આદેશ કર્યો છે.

હૈદ્રાબાદ હાઈકોર્ટે રેપકાંડના આરોપીઓના મૃતદેહો સુરક્ષિત રાખવા આદેશ કર્યો છે, તેનો મતલબ એ થયો કે આરોપીઓના મૃતદેહોને હાલમાં પરિવારને સોંપી દેવામાં આવનાર નથી. હાઇકોર્ટનો આ આદેશ મુખ્ય ન્યાયાલયને મળેલા એક નિવેદન પર આપવામાં આવ્યો છે. જેમાં ઘટના પર ન્યાયિક દરમિયાનગીરી કરવાની માંગ કરવામાં આવી હતી. જેમાં આરોપ મુકવામાં આવ્યોહતો કે ન્યાય મળ્યા પહેલા જ તમામની હત્યા કરી દેવામાં આવી હતી.

પોલીસે કહ્યું હતું કે, અમે વૈજ્ઞાનિક રીતે તપાસ કરી રહ્યા હતા અને ચારેય આરોપીઓને પકડી લીધા બાદ તેમને દસ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ચોથી અને પાંચમી ડિસેમ્બરના દિવસે નરાધમોની પુછપરછ કરવામાં આવી હતી. ગઇકાલે સવારે ઘટનાને દોહરાવવા માટે ચારેય આરોપીઓને લઈને અમે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં આરોપી આરીફ અને ચિંતાકુટાએ પોલીસના હથિયારો આચકી લીધા હતા.

આરોપીઓએ ડંડા અને પથ્થરથી પોલીસ પર હુમલો કર્યો હતો અને ભાગવાના પ્રયાસ કર્યા હતા. બે આરોપીઓએ પોલીસ પર ગોળીબાર પર કર્યો હતો. આરોપીઓની પાસેથી બે હથિયાર મળી આવ્યા છે. શરણે થવા માટે તેમને કહેવામાં આવ્યું હતું પરંતુ વાત ન માનતા સુરક્ષા માટે ગોળીબાર કરવામાં આવ્યો હતો.પીડિતાનો ફોન પણ મળી આવ્યો છે.