બિન સચિવાલય પરીક્ષાર્થીઓનું આંદોલન અંતે સમેટાયુંઃ આંદોલનકારીઓ રવાના

બિન સચિવાલય પરીક્ષાર્થીઓમાં ભાગલા પડ્યા પછી કેટલાક પરીક્ષાર્થીઓ આંદોલનના સ્થળે હતાં, તેઓ પણ રવાના થવા લાગતા અંતે આ આંદોલન સમેટાઈ ગયું હોવાના અહેવાલો આવી રહ્યા છે.

બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે બેરોજગાર ઉમેદવારોએ પરીક્ષા રદ કરવાની માંગ સાથે બુધવારથી આંદોલન શરૃ કર્યું હતું, જો કે ગઈકાલ મધરાતથી આંદોલનકારીઓ ગાંધીનગર છોડીને રવાના થવા લાગ્યા હતાં. તેમાં પણ આજે સવારે તો આંદોલન સ્થળ પર ગણ્યા ગાંઠ્યા જ પરીક્ષાર્થીઓ જોવા મળ્યા હતાં.

આંદોલનના બીજા દિવસે પરીક્ષાર્થીઓની સંખ્યા જોઈને કોંગ્રેસના પરેશ ધાનાણી, હાર્દિક પટેલ અને એન.સી.પી.ના નેતા શંકસિંહ વાઘેલા તેમજ પબ્લિક સ્પીકર સંજય રાવલ પણ ગાંધીનગર દોડી ગયા હતાં, જો કે ચોથા દિવસે આંદોલનમાં ગણ્યા ગાંઠ્યા અને મુખ્યત્વે એન.એસ.યુ.આઈ.ના કાર્યકરો જ બચ્યા હોવાથી ગાંધીનગરમાંથી કોંગ્રેસના નેતાઓ રવાના થઈ ગયા હતાં અને આજે ચોથા દિવસે ગાંધીનગરમાં પરીક્ષાર્થીઓના આંદોલન સ્થળે કાગડા ઊડી રહ્યા હતાં, તેથી અંતે આંદોલન સમેટાઈ ગયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

આ પહેલા રાજ્ય સરકારે આ મામલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) ની રચના કરી છે. આ સીટ 10 દિવસમાં તપાસ કરી રાજ્ય સરકારને રિપોર્ટ સુપ્રત કરશે. સીટની રચનાની જાહેરાત થતા જ આંદોલનની પહેલ કરનાર શિક્ષક અને કર્મશીલ યુવરાજસિંહ જાડેજાએ વીડિયોના માધ્યમથી પરીક્ષાર્થીઓને આંદોલન આડક્તરી રીતે સમાપ્ત કરી દેવા માટે સંકેત આપ્યો હતો.