મોદી સરકારને કર વસુલાતમાં પણ ઝટકોઃ એડવાન્સ ટેક્સમાં 15 ટકાનું ગાબડું

કરવસુલાત બાબતે પણ મોદી સરકારને વધુ એક ઝટકો લાગી શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં એડવાન્સ ટેક્સની વસૂલાત ગયા વર્ષની સરખામણીમાં 15 ટકા ઓછી રહી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સરકારે અધિકારીઓને વસૂલાત વધારવાની દિશામાં તાત્કાલિક પગલાં લેવાના આદેશો આપ્યા છે. સાથે સાથે આગામી દિવસોમાં એડવાન્સ ટેક્સ અંગે એસએમએસ અને મલ્ટી મીડિયા કેમ્પેઈનની મદદથી જાગરૃક્તા ફેલાવવા અંગે પણ સરકાર વિચારી રહી છે.

નાણા મંત્રાલય દ્વારા સંસદમાં અપાયેલી માહિતી મુજબ આ વર્ષે 16 નવેમ્બર સુધીમાં સરકારી ખજાનામાં એડવાન્સ ટેક્સ રૂપે 18 લાખ કરોડ જમા થયા છે. જે ગયા વર્ષની સરખામણીમાં ફક્ત 40 ટકા છે. ગયા વર્ષે એટલે કે 2018-19માં એડવાન્સ ટેક્સ દ્વારા 4.16 લાખ કરોડ રૃપિયા જમા થયા હતાં. આંકડાઓ અનુસાર છેલ્લા સતત ત્રણ નાણાકીય વર્ષોમાં તેમાં વધારો જોવા મળ્યો હતો. 2016-17 માં 3.34 લાખ કરોડ અને 2017-18 માં 3.66 લાખ કરોડ રૃપિયા જમા થયા હતાં.

આવકવેરા વિભાગ અનુસાર જે કરદાતાઓની ટીડીએસ કપાયા પછીનો ટેક્સ 10 હજારથી વધારે થતો હોય તેમણે એડવાન્સ ટેક્સ ચૂકવવો પડે છે તેના હેઠળ નોકરિયાત લોકો પણ આવી જાય છે. પંદરમી ડિસેમ્બર સુધીમાં લોકોએ એડવાન્સ ટેક્સના 75 ટકા હિસ્સો જમા કરાવવાનો હોય છે. આર્થિક મંદીના કારણે આર્થિક ગતિવિધિઓ ઘટવાથી લોકોની આવક પણ ઘટી છે. આ વર્ષના અંત સુધીમાં એડવાન્સ ટેક્સની કુલ રકમમાં 15 ટકાના ઘટાડાનું અનુમાન છે.