GSTનો સ્લેબ 6 ટકા કરવાની વિચારણાઃ મોંઘવારી કારમી બનવાનાં એંધાણ

જીએસટીની ઘટી રહેલી આવકને વધારવા માટે રચાયેલી સમિતિ પાંચ ટકાના સ્લેબને ૬ ટકા સહિતના વિભિન્ન ઉપાયોનું મૂલ્યાંકન કરી રહી છે. આ સાથે જ સિગારેટ અને એટેરેડ પીણા પર સેસ વધારવા અને કેટલીક વસ્તુઓને મળતી છૂટ બંધ કરવા અંગે પણ વિચાર કરાઈ રહ્યો છે.

પાંચ ટકાના સ્લેબને વધારીને છ ટકા કરવાથી સરકારને દર મહિને લગભગ 100 કરોડ રૃપિયા વધારાના પ્રાપ્ત થઈ શકે છે. ઓફિશ્યલ આંકડાઓ અનુસાર જીએસટીની કુલ આવકમાં પાંચ ટકાના સ્લેબમાં લગભગ પાંચ ટકાનું ભંડોળ મળે છે.

પાંચ ટકાના સ્લેબને છ ટકાનો કરવા પાછળનો તર્ક એ પણ છે કે તેનાથી કેન્દ્ર અને રાજ્ય બન્નેને 3.3 ટકા જીએસટી મળશે. કેટલાક રાજ્યોનો તર્ક છે કે આનાથી કરના દરમાં 20 ટકાનો વધારો થઈ જશે, પણ કિંમતની દૃષ્ટિએ તે વધારે નથી.

આવતા અઠવાડિયે સમિતિ ફરીથી મિટિંગ કરશે. પાંચ ટકાના દરમાં અત્યારે જીન્સ અને સાદા કપડાઓ અને ખાદ્ય પદાર્થો વિગેરે આવે છે. સરકારની જીએસટીની આવકમાં 60 ટકા ફાળો 18 ટકા દરની વસ્તુઓનો છે. સમિતિ કેટલીક અન્ય વસ્તુઓને જીએસટીના વ્યાપમાં લાવવાની શક્યતા પણ તલાશી રહી છે.

સમિતિ સિગારેટ અને એરેટેડ પીણા પર પણ ઉપકરમાં વધારો કરવાનું વિચારી રહી છે. લગભગ ૩૪ વસ્તુઓ નુકસાનકારક અને લકઝરી શ્રેણીમાં આવે છે. જેના પર 28 ટકાના દરે કર લાગે છે. કેટલીક વસ્તુઓ પર વધારાનો ઉપકર પણ લેવામાં આવે છે. આમાં વાહન સિગારેટ અને એરેટેડ પીણાઓ સામેલ છે.

જો કે, અધિકારીઓનું કહેવું છે કે, અત્યારે વાહનો પર ઉપકર વધવાની શક્યતા નથી પણ સિગારેટ અને એરેટેડ પીણાઓ પર ઉપકર વધી શકે છે. જો જીએસટીનો પાંચ ટકાનો સ્લેબ 6 ટકા થશે તો મોંઘવારી માઝા મૂકશે.