ગયા અઠવાડિયે હૈદ્રાબાદમાં મહિલા તબીબ સાથે રેપ અને હત્યાના આરોપીઓનું આજે એનકાઉન્ટર કરવામાં આવ્યું છે. આ એનકાઉન્ટરમાં સાયબરબાદ પોલીસ કમિશનર વિશ્વનાથ સજ્જનાર સમગ્ર દેશના મીડિયામાં છવાઈ ગયા છે. આઈપીએસ સજ્જનાર માટે એન્કાઉન્ટરમાં નવી વાત નથી. અવિભાજિત આંધ્રપ્રદેશ કેડરના 1996 બેચના આઈપીએસ સજ્જનાર પાડોશી રાજ્ય કર્ણાટકના હુબલીના વતની છે. હૈદ્રાબાદના રેપિસ્ટોના એનકાઉન્ટર બાદ સોશિયલ મીડિયા પર વી.સજ્જનાર છવાઈ ગયા છે.
ડિસેમ્બર, 2008 ના બીજા સપ્તાહમાં, વારંગલ જિલ્લા પોલીસે એસિડ એટેકના કેસમાં પકડાયેલા ત્રણ આરોપીઓનું 20 ક્લાકમાંજ એનકાઉન્ટર કરી દીધું હતું. મુખ્ય આરોપી એસ.શ્રીનિવાસ રાવ અને તેના બે સાગરિતો પી.હરિકૃષ્ણ અને બી.સંજયને પોલીસે ગોળી મારી દીધી હતી. વારંગલની કાકટીયા ઈન્સ્ટીટયૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સની વિદ્યાર્થિની પર એસિડ અટેક કરવામાં આવ્યો હતો.
2008માં સજ્જનારે એન્કાઉન્ટરનો બચાવ કર્યો હતો અને દાવો કર્યો હતો કે ત્રણેય આરોપીઓને ઘટના સ્થળે રિક્રીએશન માટે લઈ જવામાં આવ્યા ત્યારે ત્રણેય આરોપીઓ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ પર દેશી બનાવટની બંદૂકથી હુમલો કર્યો હતો. પોલીસે વળતો જવાબ આપી ત્રણેયને ઠાર કર્યા હતા. તે વખતે પણ એનકાઉન્ટર અંગે બૂમરાણ ચાલી હતી પણ ધીમે ધીમે મુદ્દો સાંત થઈ ગયો હતો.
અવિભાજિત આંધ્રપ્રદેશમાં એન્કાઉન્ટરનો ઇતિહાસ છે. 1970થી 1990ના દાયકા દરમિયાન નક્સલવાદ પ્રવૃતિનું રાજ્ય સાક્ષી બન્યું છે. એનકાઉન્ટર અંગે રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC), અદાલતો, સિવિલ સોસાયટી અને મીડિયાએ હત્યાઓ અંગે સવાલો ઉભા કર્યા હતા. પણ સજ્જનારે તમામનો જવાબ આપ્યો હતો.
2015માં માં હૈદરાબાદમાં ચર્ચાસ્પદ એન્કાઉન્ટર થયું હતું. તેહરીકે ગલબાએ ઈસ્લામ નામના લોકલ ટેરર ગ્રુપનો વિકારુદ્દીન અહેમદ સહિત પાંચ આતંકીઓને વરાંગલની મધ્યસ્થ જેલમાંથી હૈદરાબાદની કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. આ ‘એન્કાઉન્ટર’ જનગાંવ નજીક થયું હતું જ્યારે આતંકવાદીઓએ પોલીસને એસ્કોર્ટ કરી રહેલી વાન પર હુમલો કર્યા પછી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. માનવાધિકાર જૂથો દ્વારા કેટલાક વિરોધ પ્રદર્શન કર્યા પછી, આ મુદ્દો બંધ કરવામાં આવ્યો હતો.
ચિત્તૂર જિલ્લાના ચંદ્રગિરિ નજીક 20 જેટલા લાલ ચંદનના દાણચોરોને ગોળી મારી દેવામાં આવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ પોલીસે તેમને જંગલમાં પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે લગભગ 500 તસ્કરો અને લાકડા કાપનારાઓએ તેમના પર હુમલો કર્યો હતો.આ ઘટના અંગે પણ જેમ જેમ વિરોધ પ્રદર્શન વધ્યું અને અદાલતોએ પોલીસને તેની કાર્યવાહીને ન્યાયી ઠેરવવા કહ્યું, ત્યારે સત્ય આપોઆપ બહાર આવવા માંડ્યું હતું.
આવી અનેક ઘટનાઓ અવિભાજિત આંધ્રપ્રદેશમાં બની હતી અને આ ઘટનાઓના કારણે વિશ્વનાથ સજ્જનારની છાપ એનકાઉન્ટર મેનની બની જવા પામી હતી. આજે હૈદ્રાબાદના બળાત્કારીઓેનું એનકાઉન્ટક કરવામાં આવ્યું તો લોકોએ પોલીસને વધાવી લીધી હતી. જ્યારે રાજકીય નેતાઓ અલગ અલગ રીતે એનકાઉન્ટરની સમીક્ષા કરી રહ્યા છે અને નિવેદનો આપી રહ્યા છે.