એટીએમના નિયમો બદલાશેઃ રિઝર્વ બેન્ક શોપીંગ માટે લાવશે નવું કાર્ડ

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ગુરૃવારે નાણાનીતિની સમીક્ષા બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી હતી. આરબીઆઈ દ્વારા આ વખતે રેપોરેટમાં ભલે કોઈ ફેરફાર કરાયો ન હોય પરંતુ સામાન્ય લોકો સાથે સંબંધિત અનેક મોટા નિર્ણયો લીધા છે. આરબીઆઈ દ્વારા એટીએમ મશીન અંગે નવી ગાઈડલાઈન લાવવાના અને શોપીંગ માટે એક વિશેષ કાર્ડ લોન્ચ કરવાના સંકેત આપ્યા છે.

આરબીઆઈ દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર એટીએમ સર્વિસ પ્રોવાઈડર્સ માટે ટુંક સમયમાં જ કેન્દ્રિય બેન્ક દ્વારા એક નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે. કેન્દ્રિય બેન્કે એટીએમ સેવાઓ સાથે જોડાયેલા ફ્રોડને રોકવા માટે આ નિર્ણય લીધો છે. નવી ગાઈડલાઈનમાં ઈકોસિસ્ટમના એપ્લીકેશન સોફ્ટવેરમાં ફેરફાર સહિત ડિપ્લોયમેન્ટ પ્રોસેસને મજબૂતી આપવા સંબંધિત અનેક મોટા સુધારા કરવામાં આવશે. તેની સાથે જ દેખરેખ માટે નવી વ્યવસ્થાની સાથે સ્ટોરેજ, પ્રોસેસીંગ અને સંવેદનશીલ ડેટાના ટ્રાન્સમિશન પર કન્ટ્રોલ અંગે પણ નિયમન કડક કરવામાં આવશે. ૧૦ હજાર સુધીની ખરીદી માટેનું નવું કાર્ડ આ સાથે જ આરબીઆઈએ પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેનો ઉપયોગ ૧૦ હજાર સુધીની કિંમતનો સામાન અને સેવાઓ ખરીદવા માટે કરી શકશે.

આરબીઆઈના જણાવ્યા અનુસાર આ કાર્ડને બેન્ક એકાઉન્ટ દ્વારા રિચાર્જ કરાવી શકાશે. તેનો ઉપયોગ બિલ પેમેન્ટ કરવા અને અન્ય પ્રકારની ખરીદી માટે કરી શકાશે. આ ઉપરાંત પીપીઆઈ કાર્ડને બેન્કમાં રોકડા જમા કરાવીને પણ રિચાર્જ કરાવી શકાશે. આ ઉપરાંત ડેબીટ કે ક્રેડીટ કાર્ડની મદદથી રિચાર્જ કરાવાનો પણ વિકલ્પ છે.

આ કાર્ડમાં એક મહિનામાં મહત્તમ રૃા. ૫૦ હજાર સુધીનો રિચાર્જ કરાવી શકાશે. કેન્દ્રિય બેન્કે જણાવ્યું છે કે આ કાર્ડના સંબંધમાં વધુ માહિતી ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં આપવામાં આવશે. આ ઉપરાંત આરબીઆઈ કો-ઓપરેટીવ બેન્ક દ્વારા આપવામાં આવતી મોટી લોન માટે એક સેન્ટ્રલ ડેટાબેઝ તૈયાર કરશે. સાથે જ કો-ઓપરેટીવ બેન્ક માટે ટુંક સમયમાં જ રેગ્યુલેટરી નિયમો પણ તૈયાર કરવામાં આવશે.