સંસદ ભવનની કેન્ટીનમાં રાહત દરે મળતું ભોજન બંધ થશે, વેજ-નોન વેજ પ્લેટના ભાવ વધશે

સંસદ ભવનની કેન્ટીનમાં ભોજન પરની સબસિડી હવે સમાપ્ત થઈ જશે. તમામ પક્ષકારોએ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય આગામી સત્રથી લાગુ કરી શકાય છે.

સાંસદોની ભોજનની સબસીડી પર વાર્ષિક 17 કરોડ રૂપિયાનું બીલ આવે છે. સૂત્રો કહે છે કે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના સૂચનને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે, લોકસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં તમામ પક્ષોના પ્રતિનિધિઓએ આ માટે સહમત થયા હતા.

2016માં મોદી સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન  કેન્ટીનમાં ઉપલબ્ધ ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આ પછી હવે સબસીડી ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2016થી શાકાહારી થાળીનો ભાવ 30 રૂપિયા હતો. 2016 પહેલાં આ ભાવ 18 રૂપિયા હતો. નોનવેજ પ્લેટ હવે 60 રૂપિયામાં મળે છે જ્યારે આ પહેલાં 33 રૂપિયામાં મળતી હતી. થ્રી કોર્સ મીલ હવે 90 રૂપિયામાં મળે છે જ્યારે અગાઉ 61 રૂપિયામાં મળતું હતું.

સબસીડી સમાપ્ત થયા પછી હવે આ ભાવમાં પણ વધારો થશે. સરકાર સંસદની કેન્ટીનમાં સબસીડી પાછળ રૂ. 17 કરોડ ખર્ચ કરતી હતી. આ નિર્ણયનો અમલ ક્યારે થશે, તે સ્પષ્ટ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આ નિયમ આગામી સત્રથી લાગુ થઈ શકે છે.