મારો પરિવાર શાકાહારી, ડુંગળી-લસણ સાથે લેવાદેવા નથીઃ નિર્મલા સિતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે કરેલા એક નિવેદનથી ચર્ચા જાગી છે. તેમણે લોકસભામાં કહ્યું કે, તેઓ ડુંગળી અને લસણ નથી ખાતા. એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ સીતારમણને પૂછ્યું કે, શું તેઓ ડુંગળી ખાય છે…? આ વિશે મંત્રીએ કહ્યું કે, હું એવા પરિવારમાંથી આવું છું જ્યાં ડુંગળી-લસણ સાથે કોઈ લેવા દેવા નથી. મારો પરિવાર શુદ્ધ શાકાહારી છે. તેમ છતાં વધતા જતા ડુંગળીના ભાવનો મુદ્દો જોઈશ. સીતારમણના નિવેદન પછી એવા સવાલો ઉઠી રહ્યાં છે કે, ડુંગળી-લસણને માંસાહાર ગણી શકાય ખરા…?

સુપ્રિયાએ લોકસભામાં કહ્યું હતું કે, ડુંગળીનું ઉત્પાદન ખૂબ ઘટી ગયું છે…? આપણે ચોખા અને દૂધની મોટી માત્રામાં નિકાસ કરીયે છીએ. ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતો ખૂબ ઓછા છે. હકીકતમાં તેમને મદદ કરવાની જરૃર છે. જ્યારે બીજી બાજુ આમઆદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે બુધવારે ડુંગળીની વધતી કિંમતોના કારણે રાજ્યસભામાં કામકાજ રોકો પ્રસ્તાવ આપ્યો હતો.

સીતારમણે કહ્યું, હું ર૦૧૪ થી અમુક એવા મંત્રીઓનો હિસ્સો છું, જેઓ ડુંગળીના ભાવમાં થતી વધ-ઘટ ઉપર નજર રાખી રહ્યાં છે. ઘણીવાર ડુંગળીનું ઉત્પાદન ઓછું થાય છે. ત્યારે અમે લોકોને પણ મદદ કરી છે જે લોકો ડુંગળીની આયાત કરે છે. અમે નિકાસકારો માટે રાતોરાત પ-૭ ટકાની સહાયતાના આદેશને મંજૂરી આપી છે.