નિત્યાનંદે આવી રીતે ટાપુ ખરીદ્યો અને આપી દીધું છે દેશનું નામ, થઈ શકે છે મોટી કાર્યવાહી

ભારતમાંથી બળાત્કારનાં કેસમાંથી છટકી જવાના આરોપી નિત્યાનંદે દક્ષિણ અમેરિકાના દેશ ઇક્વાડોર નજીક ટાપુ ખરીદીને પોતાનો દેશ વસાવી લીધો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એટલું જ નહીં, તેણે એક વેબસાઇટ પણ બનાવી છે અને  ‘કૈલાસા’ દેશના પાસપોર્ટ, નાગરિકતા સહિતની તમામ માહિતી આપી હતી. આ દેશને ‘હિન્દુ રાષ્ટ્ર’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. નિત્યાનંદે કેવી રીતે ટાપુ ખરીદ્યું અને તેણે દેશને કેવી રીતે જાહેર કર્યો અને તે કરી શકાય છે કે કેમ. આ અંગે ચાલો બધું જાણીએ …

કોઈ પણ ખરીદી શકે છે આવા ટાપુ

હકીકતમાં, દક્ષિણ અમેરિકામાં ઇક્વાડોર સહિતના અનેક દ્વિપીય ટાપુઓ છે. આ ટાપુઓને કોઈ પણ માલેતુજાર માણસ ખાનગી ખરીદી શકે છે. આપણે આપણા દેશમાં જે પ્રકારે જમીન ખરીદીએ છીએ તેવી રીતે ત્યાં ટાપુની ખરીદી થાય છે. બળાત્કારના ભાગેડુ આરોપી નિત્યાનંદે પણ ઇક્વાડોરમાં ટાપુ ખરીદ્યું છે અને વિશ્વનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હોવાનો દાવો કરીને તેનું નામ કૈલાસા રાખ્યું છે.

દેશ જાહેર કરવો એ કોઈ ખેલ નથી

જો કે, તમે આવા કોઈ ટાપુ ખરીદીને દેશ જાહેર કરી શકતા નથી. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે દાખલા તરીકે  ગુરુગ્રામ જઈને ત્યાં જમીનનો ટુકડો લઈને તેને રાષ્ટ્ર જાહેર કરવાની વાત એ કોઈ ખેલ નથી. કોઈપણ એક રાષ્ટ્ર માટે જરૂરી છે કે વિશ્વના અન્ય દેશો તેને માન્યતા આપે અને સંયુક્ત રાષ્ટ્ર પણ તેની સાર્વભૌમત્વતા સ્વીકારે.

પાસપોર્ટ પણ ઈશ્યુ કર્યો

નિત્યાનંદે તેના કથિત દેશ ‘કૈલાસા’ માટે જાહેર કરેલી વેબસાઇટમાં પાસપોર્ટની નકલ પણ બહાર પાડી છે. તેનું નામ ‘પારપત્રમ’ છે અને અંગ્રેજીમાં પાસપોર્ટ લખેલું પણ છે.

નિત્યાનંદ આપે છે આધ્યાત્મિક નાગરિકતા

વેબસાઇટ અનુસાર, નિત્યાનંદે કૈલાસામાં કેબિનેટની પણ રચના કરી છે, જે અંતર્ગત આરોગ્ય, શિક્ષણ, ટેકનોલોજી, આવાસ જેવા વિભાગો આવે છે. જોકે, નાગરિકત્વની કોલમમાં આધ્યાત્મિક નાગરિકતા વિશે વાત કરવામાં આવે છે. તે સ્પષ્ટ છે કે નિત્યાનંદ પાસે કથિત દેશમાં સ્થાયી થવા જેવી સુવિધા નથી.

ઝંડાનું નામ આપ્યું છે ઋષભધ્વજ

નિત્યાંનંદ પોતાનો ઝંડો પણ બનાવ્યો છે જેને ઋષભ ધ્વજ નામ આપ્યું છે. ઝંડામાં પોતાનો ફોટો મૂક્યો છે. ઝંડાનો આકાર ત્રિકોણ છે. પોતાને પરમશિવ જાહેર કર્યા છે અને ઝંડામાં નંદીનો ફોટો પણ મૂક્યો છે.