પ્રદિપસિંહ જાડેજાની જાહેરાત: બિન સચિવાલય પરીક્ષા મુદ્દે સરકાર ઝૂકી, સીટની રચના, પરીક્ષાનું પરિણામ જાહેર નહીં કરાય

બિન સચિવાલય પરીક્ષા મુદ્દે હજારો પરીક્ષાર્થીઓ ગઈકાલથી ગાંધીનગરમાં સત્યાગ્રહ કરી રહ્યાં છે, આ કૌભાંડની તપાસ માટે સરકારે એસઆઈટીની રચના કરી છે. જેને પરીક્ષાર્થીઓએ લોલીપોપ ગણાવીને ફગાવી દેતા હવે મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ વિદ્યાર્થી નેતાઓને મુલાકાત માટે બોલાવતા કેટલાક વિદ્યાર્થી આગેવાનો મુલાકાત માટે પહોંચ્યા હતા.

બિન સચિવાલય પરીક્ષામાં થયેલ ગેરરીતિ પછી ગાંધીનગરમાં પરીક્ષાર્થીઓ સત્યાગ્રહ કરી રહ્યાં છે ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૃપાણીએ વિદ્યાર્થી નેતાઓને મુલાકાત માટે બોલાવ્યાં છે. ત્યાર બાદ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી હતી.

પ્રદીપસિંહે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે  10 દિવસમાં સીટનો રિપોર્ટ આવી જશે અને ત્યાં સુધી પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવશે નહીં. ગુજરાત સરકારના અગ્ર સચિવ કમલ દયાણીની અધ્યક્ષતામાં સીટની રચના કરવામાં આવી છે. સરકાર યુવાનોની સાથે છે અને યુવાનોની માંગને સ્વીકારી છે.

તેમણે જણાવ્યું કે સીટમાં મનોઝ શશી ધરન, ગાંધીનગર રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા પણ સીટના મેમ્બર તરીકે રહેશે. હાલ પરિણામ અનામત રાખવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓના આગેવાન યુવરાજસિંહ જાડેજા, હાર્દિક પ્રજાપતિ, યુવરાજસિંહ મોહિત, ભાવસિંહ સરવૈયા વિગેરે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી.

ગાંધીનગર બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિને લઈને આંદોલન ઉગ્ર બનતા અને પરીક્ષાર્થીઓ ટસના મસ ન થતાં આખરે 24 કલાક બાદ સરકાર ઝુકી છે. આંદોલનકારીઓ સાથે મંત્રણાઓ શરૃ કરવામાં આવી છે. આંદોલનકારીઓ સાથે ચર્ચા કરવાની સૂચના આપવામાં આવ્યા બાદ કલેક્ટરે પરીક્ષાર્થીઓના બે પ્રતિનિધિ યુવરાજસિંહ અને હાર્દિક પ્રજાપતિ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં કલેક્ટરને પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવેલી પાંચ માંગને સ્વીકારી છે અને ગેરરીતિની ઉંડાણપૂર્વક તપાસ કરવા એસઆઈટીની રચના કરવાની કલેક્ટરે ખાતરી આપી પરંતુ પરીક્ષાર્થીઓએ સીટની રચનાને લોલીપોપ ગણાવી અને પરીક્ષા રદ્દ કરવાની માંગણી પર અડગ રહેતા બેઠક સમેટાઈ ગઈ હતી.

જોકે, કલેક્ટરે આ મામલે સરકાર સાથે ચર્ચા કરીને આગળની કાર્યવાહી કરવાની ખાતરી આપતા હાલ પૂરતો ઉમેદવારોના પ્રતિનિધિઓએ સંતોષ વ્યક્ત કર્યો છે. પરંતુ આંદોલનકારીઓ હજુ પણ ગાંધીનગરનો રસ્તો છોડવા તૈયાર નથી. જ્યાં સુધી સરકાર પરીક્ષા રદ્દ કરવાની ખાતરી અથવા જાહેરાત નહીં કરે ત્યાં સુધી આંદોલનકારીઓ ગાંધીનગર નહીં છોડે. બીજી તરફ આજે પત્રકારો સાથે વાતચીત કરવા ગૃહમંત્રી પ્રદીપસિંહે જણાવ્યું હતું કે, સરકાર સંવેદનશીલ છે. ઉમેદવારોને ઠંડીમાં રહેવું પડ્યું તેનું દુઃખ છે. સરકારની લાગણી ઉમેદવારો સાથે છે. પરીક્ષાઓનું સૂચન સ્વીકારવા સરકાર લગભગ તૈયાર છે.

આ પહેલા બિન સચિવાલય વિવાદ મુદ્દે મિટિંગો અને બેઠકો બાદ રાજ્યના મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોતાનું નિવેદન આપ્યું હતું. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્યમાં ગૌણ પસંદગી સેવામંડળની પરીક્ષા લેવાઈ હતી. જેમાં ૩૯૦૦થી વધુ જગ્યા પર કારકૂનની ભરતીની પરીક્ષા હતી. જેમાં ૬ લાખ કરતા વધુ પરીક્ષાર્થી ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરંતુ પરીક્ષા પછી ઉમેદવારોએ જે માંગણી કરી છે, તેમની સાથે અમારી વાતચીત ચાલુ છે. અમે ઉમેદવારોએ કરેલી ફરિયાદ અંગે ચકાસણી કરીશું અને હાલ તપાસ ચાલુ પણ છે. તપાસ પૂર્ણ થયા પછી ઉમેદવારો અને અમારી શંકા કુંશકાઓ દૂર કરીશું.

પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યુ હતું કે, પરીક્ષાર્થીઓએ પોતાની માંગણીઓને લઈને ગાંધીનગરમાં જે દેખાવો કર્યા તેમની માંગણીઓ સાથે અમારી મિટિંગો ચાલુ છે. વિદ્યાર્થીઓને પોતાની માંગણીઓને લઈને રસ્તાઓ પર અને શિયાળાની કાતિલ ઠંડીમાં ઠુઠવાવું પડ્યું તે વાતનું અમને ખૂબ દુઃખ છે. અમારી સરકાર વિદ્યાર્થીઓ સાથે છે, એન ઉમેદવારો પ્રત્યે અમારી સહાનુભૂતિ તેમની સાથે છે. અમારી સરકાર ઘટનાને સંવેદનાથી અમલીકરણ કરવા માંગે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરંતુ રાજ્યના અનેક પરીક્ષા કેન્દ્રો ઉપર ચોરી થઈ હોવાના આક્ષેપ સાથે બુધવારે ઉમેદવારોએ ગાંધીનગરના કર્મયોગી ભવનમાં સવારથી આંદોલન શરૃ કર્યું હતું. રાજ્યભરમાંથી આવેલા ૫ હજાર જેટલા ઉમેદવારો રાત પડી ગઈ હોવા છતાં હટ્યા નહોતા તેમજ ઠંડી અને પવન વચ્ચે રોડ પર રાત વિતાવી હતી. માત્ર એટલું જ નહીં, ધાબળા પણ મંગાવ્યા હતા. જો કે આ ધાબળા પણ ખૂટી પડ્યા હતા. તેમાના કેટલાક આંદોલનકારીઓએ યુવતીઓને ધાબળા આપ્યા હતા. આમ છતાં આંદોલનકારીઓ હિંમત હાર્યા વિના લડત લડી રહ્યા છે.

વહેલી સવારે પણ વિદ્યાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પર સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. સવારે એક સંસ્થા અને સ્થાનિક લોકો દ્વારા વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો, ત્યારે ભૂખ્યા વિદ્યાર્થીઓએ કડકડતી ઠંડીમાં નાસ્તો કર્યો હતો.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે ગાંધીનગરના કર્મયોગી ભવનમાં આંદોલન કરી રહેલા બિનસચિવાલયની પરીક્ષાના ઉમેદવારોને મળવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે, હું આંદોલનકારીઓની સાથે છું અને તેમની લડતમાં ભાગીદાર છું.

સત્યાગ્રહ દરમિયાન આંદોલનકારીઓએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના નામના છાજીયા લીધા હતા. તેમજ સરકારને સવાલ કર્યો કે, ગેરરીતિ થાય એમાં અમારો શું વાંક? આ ઉપરાંત હાલ બેરોજગાર એવા આ યુવાઓની જમવા અને ઠંડીમાં ઓઢવાની વ્યવસ્થા આસપાસ રહેતા ઉમેદવારોએ કરી હતી. રાજકોટ તાલુકાના ગોંડલના યુવરાજસિંહ જાડેજાએ સુરેન્દ્રનગર સેન્ટરનો વીડિયો સહિતના પુરાવા સાથે રજુઆત કરી હતી. છતાં કોઈ પગલાં ન લેવાતા યુવરાજસિંહ સહિતના યુવકોએ ઉમેદવારોને ગાંધીનગર પહોંચવા માટે કહ્યું હતું. અત્યારે મુખ્યમંત્રી સાથે થઈ રહેલી વાતચીત પર બધો આધાર છે, અને નિવેડો આવી શકે છે.