સરકાર દેશમાં વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ સંબંધિત બીલને સંસદમાં રજૂ કરવા જઈ રહી છે. બુધવારે મેન્ટેઈનન્સ એન્ડ વેલ્ફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સીટીઝીન અમેન્ડમેન્ટ બીલ-2019ને કેબિનેટે મંજૂરી આપી છે અને ટૂંક સમયમાં બીલ સંસદમાં રજૂ કરવામાં આવશે. આ બીલ સિનિયર સીટીઝનની મૂળભૂત જરૂરિયતોની સાથે તેમને રક્ષણ આપશે.
કેબિનેટે મંજુર કરેલા બીલમાં જણાવાયું છે કે બાળકો પર વૃદ્ધોની સંભાળ લેવાનું રહેશે પણ એટલું પુત્ર-પુત્રી, પૌત્ર-પૌત્રી-પૌત્રી અને નાતી-નાતીન પણ તેમની કાળજી માટે કાનૂની રીતે બંધાયેલા છે. વરિષ્ઠ નાગરિકો અને પરિવારના સભ્યોના કલ્યાણ સંબંધિત-2007 ના બીલમાં પણ આ સુધારા કરવામાં આવી રહ્યા છે. આ મુજબ, કુટુંબના બાળકો હવે તેમના માતાપિતા માટે જ નહીં પણ સાસુ-સસરાની સંભાળ માટે પણ જવાબદાર રહેશે, પછી ભલે તેઓ વરિષ્ઠ નાગરિકોની શ્રેણીમાં ન આવે.
કાયદાનું ઉલ્લંઘન કરનારાઓની જેલની સજા વધારવાની જોગવાઈ પણ આ બીલમાં શામેલ છે. સજાને ત્રણ મહિનાના બદલે છ મહિનાની કરવામાં આવી છે. અહીં સંભાળ શબ્દની વ્યાખ્યા પણ આપવામાં આવી છે. જેમાં જીવન વ્યવસ્થા અને સુરક્ષા શામેલ છે. વરિષ્ઠ નાગરિકો, કુટુંબીઓ, બાળકો અને સંબંધીઓની કમાણીના આધારે વડીલોની જાળવણીની રકમ નક્કી કરવામાં આવશે.
નવા બીલમાં જાળવણી માટે આપવામાં આવેલી દસ હજારની મર્યાદા હવે દૂર કરવામાં આવશે. તેમજ ટ્રિબ્યુનલમાં ગયાના 90 દિવસની અંદર કોઈપણ અપીલનો નિકાલ લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો વરિષ્ઠ નાગરિકની ઉંમર 80 વર્ષથી વધુ હોય, તો તે કિસ્સામાં આવી અરજીનો નિકાલ 60 દિવસમાં કરવાનો રહેશે.
કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે વરિષ્ઠ નાગરિકોની ગરિમા જાળવવી એ આ બીલનો મુખ્ય ઉદ્દેશ છે. તેમજ દત્તક લીધેલા બાળકો અને સાવકા પુત્ર-પુત્રીઓનો પણ આ બીલમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ બીલમાં ‘સિનિયર સિટીઝન કેર હોમ’ રચવા અને તેમાં નોંધણી કરવાની દરખાસ્ત પણ શામેલ છે, કેન્દ્ર સરકાર આ અંગેના માપદંડો અને કાર્યપ્રણાલિ નક્કી કરશે. આ ઉપરાંત આવી એજન્સીનું કામ વરિષ્ઠ નાગરિકો સુધી તેની પહોંચવાનું રહેશે અને દરેક પોલીસ સ્ટેશનમાં આ માટે નોડલ અધિકારીની નિમણૂક કરવાની રહેશે.