ગુજરાતમાં ગૌણ સેવા મંડળની પરીક્ષામાં ગેરરીતિઓ થઈ હોવાના પુરાવા સાથે હજારો વિદ્યાર્થીઓ ગઈકાલથી રસ્તા પર ઉતરી આવ્યા છે અને સંપૂર્ણ તપાસની માંગણી કરી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદ ખાતેના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની માંગણીને લઈ મોટું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરાત કરતાં કહ્યું કે સમગ્ર પ્રકરણમાં કોઈને પણ છોડવામાં આવશે નહીં અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદનાં કાર્યક્રમમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું છે કે, વિદ્યાર્થીઓની લાગણી છે કે, ગૌણ સેવા દ્વારા લેવાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં પેપર લીક થયા છે, ગેરરીતિ થઇ છે આ અંગે સરકારનું મન ઘણું ખુલ્લું છે. સંપૂર્ણ તપાસ અને તેના આધારે પગલા લેવા માટે સંમત છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર માને છે કે પરીક્ષા આપવા માટે 6 લાખથી વધુ યુવાનોએ જે મહેનત કરી છે તે એળે ન જાય અને જે લોકો ખોટા છે તે લોકો નોકરી ન લઇ જાય. આ બંન્ને બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર સહમત છે. ત્યારે વિદ્યાર્થીઓ પ્રશ્નનાં સોલ્યુસન તરફ આગળ વધે. ઉમેદવારોની કલેક્ટર સાથે બેઠક મળી છે. આ સમસ્યાનું નિરાકરણ થશે. સરકારની લાગણી છે કે પારદર્શી રીતે જ સરકારની ભરતી થવી જોઇએ. વિદ્યાર્થીઓની માંગણીને સરકાર ચોક્કસ ધ્યાન આપશે. અમારી વાતચીત તેમની સાથે ચાલી રહી છે.
વિદ્યાર્થી મંડળના આગેવાન યુવરાજસિંહ અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ કલેક્ટરને મળ્યા હતા અને સમગ્ર પ્રકરણમાં સીટની રચના કરી તપાસની માંગ કરી હતી. હાર્દિક ઉપરાંત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને એનસીપી પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી. હાર્દિકે મુલાકાત લીધી ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા હાર્દિક ગો બેકના નારા પણ લાગ્યા હતા.