મહિસાગર: બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં એવું તો શું છે કે તેનો દેશના સર્વશ્રેષ્ઠ ત્રણ પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરાયો?

ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કાયદો અને નાગરિક વ્યવસ્થાની શ્રેષ્ઠ વ્યવસ્થા થકી ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે નામના મળી છે. ગુજરાતના મહીસાગરનું બાલાસિનોર પોલીસ સ્ટેશન સમગ્ર દેશમાં બીજા ક્રમે આવ્યું છે. જે ગુજરાત માટે ગૌરવની વાત છે. ક્રાઈમ પ્રીવેન્શન ડિટેકશન અને નાગરિકોની સેવામાં અને વિવિધ શહેરોમાં થયેલા દેશ વ્યાપી સર્વેના આધારે મહીસાગર જિલ્લાના બાલાસિનોર પોલીસ સ્ટેશનની પસંદગી કરવામાં આવી છે.

બાલાસિનોર પોલીસ સ્ટેશનને ભારતના શ્રેષ્ઠ ૩ પોલીસ સ્ટેશનમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેને લઇને 6 ડિસેમ્બર 2019ના રોજ ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રીસર્ચ, પુણે ખાતે યોજાનાર ડીજીપી, આઈજીપી કોન્ફરન્સ-2019 દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા આ અંગે ટ્રોફી એનાયત કરવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે, ટેકનોલોજીના માધ્યમ દ્વારા સલામતી પૂરી પાડવા માટે રાજ્ય સરકારે ઇ-ગવર્નન્સના માધ્યમથી અનેક નવતર આયામ હાથ ધર્યા છે અને રાજ્યના પોલીસ સ્ટેશનો સહિત પોલીસ કર્મીઓને પણ આધુનિક સુવિધાથી સજ્જ કર્યા છે. જેના પરિણામે આ સિદ્ધિ પ્રાપ્ત થઇ છે.