જાણો રૂપાણી સરકારે કેમ હેલ્મેટને પડતું મૂક્યું? ગભરાયેલી ભાજપ સરકારને હતો આ ડર

આખરે હેલ્મેટને સિટી વિસ્તારોમાં મરજિયાત કરી દેવામાં આવ્યું છે. રૂપાણી સરકાર ગભરાઈ ગઈ હતી. સરકાર ગભરાઈ ગઈ તેની પાછળ ચોક્કસ રાજકીય ડર છૂપાયેલો હતો. લોકોનો વિરોધ પ્રચંડ હતો. રોજે-રોજ દંડની રકમ સામે લોક રોષ ભભૂકી રહ્યો હતો અને સરકારની વિરુદ્વમાં લોકો ધીમે ધીમે બહાર આવી રહ્યા હતા.

પોલીસ સાથે સતત ધર્ષણ થઈ રહ્યા હતા. પોલીસ લોકોને એક જ જવાબ આપતી હતી કે સરકારે નિયમ બનાવ્યા છે અને અમારે તેનુ પાલન કરવાનું છે. પોલીસની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી બની ગઈ હતી. લોકોએ પોલીસને છોડી સરકાર પર ખુલ્લેઆમ પસ્તાળ પાડવાનું શરૂ કરી દીધું હતું, સોશિયલ મીડિયામાં રોજે-રોજ અસંખ્ય મેસેજો પોલીસ સાથેના ધર્ષણના બની રહ્યા હતા અને લોકો સરકાર પર ફિટકાર વરસાવી રહ્યા હતા.

આ બે દેખીતા કારણો છે પણ મહત્વનું કારણ એ છે કે 2020માં ગુજરાતની છ કરતાં વધુ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ચૂંટણીઓ યોજાવાની છે. જો હેલ્મેટનો કાયદો સતતને સતત ચાલુ રાખવામાં આવતે તો શહેરી વિસ્તારોમાં ભાજપને બહુ મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો હોત. રાજકીય ગણતરીબાજો તો એવું જ કહી રહ્યા હતા કે ટ્રાફીકના નિયમના કારણે ભાજપને અમદાવાદ, વડોદરા, રાજકોટ સુરત જેવા મહાનગરોની ચૂંટણીમાં મોટું નુકશાન થઈ શકે છે. બેથી ત્રણ મહાનગરપાલિકામાં ભાજપની હાલત કફોડી બની જવાની શક્યતા હતી.

ભૂતકાળની વાત કરીએ તો સુરેશ મહેતા અને શંકરસિંહ વાઘેલા સરકારે હેલ્મેટના કાયદા પર હાથ કડક કર્યા તો લોકોએ તેમને ધરે બેસાડી દીધા હતા. લાખ વિકાસ કાર્યો કરો પણ લોકોને સીધી રીતે અસર કરતી યોજના અને કાર્યોમાં લોકોને નુકશાન થાય તો લોકો એનું સાટું વાળી નાંખે છે. આના માટે સુરેશ મહેતા અને શંકરસિંહ વાઘેલાની સરકારના દાખલા આપણી સામે મોજુદ છે.

શહેરી વિસ્તારોના રસ્તાઓ પર હેલ્મેટ માટે વિરોધ થવો સ્વભાવિક એટલા માટે છે કે લોકોના ગજવા ખાલી થઈ રહ્યા હતા. મંદી અને બેરોજગારીને લઈ લોકોનો કકળાટ પહેલાંથી જ હતો. આ સિવાય જે રસ્તાઓ પર માંડ-માંડ 30-40ની સ્પીડે ગાડીઓ દોડતી હોય અને ટ્રાફીકની ગીચતા જેવા રસ્તાઓ પર હેલ્મેટને સંભાળવું રાહતના બદલે આફત બની ગયું હતું. હેલ્મેટનો કાયદો જે રસ્તાઓ પર સડસડાટ ગાડીઓ દોડતી હોય એટલે કે હાઈવે અને મેઈન રોડ માટે હોવા જોઈએ.

દરેક મેઈન રોડ પર બોર્ડ મૂકવા જોઈએ કે આ રસ્તા પર હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. હવે અમદાવાદ રીંગ રોડ હોય કે સુરતનો ગૌરવ પથ હોય તો જ્યાંથી આ રસ્તાઓ શરૂ થાય ત્યાં બોર્ડ મૂકી દેવા જોઈએ કે હેલ્મેટ ફરજિયાત છે આગળના રસ્તા પર હેલ્મેટ પહેર્યા વગર જવું નહીં.