સ્મીથને પછાડી વિરાટ કોહલીનો ટેસ્ટ રેન્કીંગમાં ડંકો, નંબર વન બન્યો

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ફરી એકવાર આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર –વનની પોઝીશન હાંસલ કરી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મીથને પછાડી દઈ પોતાની ખોવાયેલી પોઝીશન પાછી હાંસલ કરી છે. વિરાટે બાંગ્લાદેશ સામે તાજેતરમાં સમાપ્ત થયેલી ટેસ્ટ સિરીઝમાં સારું પ્રદર્શન કર્યું જેનાથી તેની રેન્કિંગમાં સુધારો થયો છે.

આઇસીસી દ્વારા બહાર પાડવામાં આવેલી તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી 928 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે સ્ટીવ સ્મીથ 923 પોઇન્ટ સાથે બીજા ક્રમે આવી ગયો છે.

પાકિસ્તાન સામેની ટેસ્ટ સિરીઝમાં સ્મીથ વધારે પ્રદર્શન કરી શક્યો નહીં અને તેની અસર રેન્કિંગ પર પણ પડી. સ્મિથે બ્રિસ્બેન ટેસ્ટમાં ફક્ત 4 રન બનાવ્યા હતા જ્યારે તેણે એડિલેડ ટેસ્ટમાં 36 રન બનાવ્યા હતા. તે જ સમયે, કોલકાતામાં રમાયેલી પિંક બોલ ટેસ્ટ મેચમાં વિરાટે બાંગ્લાદેશ સામે સદી સાથે 136 રન બનાવ્યા હતા.  જોકે,  સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં વિરાટ ઝીરો પર આઉટ થયો હતો.

બોલ ટેમ્પરિંગને કારણે એક વર્ષના પ્રતિબંધનો સામનો કરનાર સ્મીથે ઈંગ્લેન્ડ સામેની એશિઝ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે ટેસ્ટમાં નંબર વનની પોઝીશન મેળવી હતી.