ટ્રમ્પ માટે મોટી મુશ્કેલી:  મહાભિયોગના તપાસ રિપોર્ટમાં દોષિત, મૂકાયા છે આવા આરોપો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ડેમોક્રેટિક પાર્ટીની બહુમતીવાળી ગૃહની જ્યુડિશ્યરી કમિટિએ મહાવિભાગના મુદ્દે દોષિત જાહેર કર્યા છે. જો કે, ટ્રમ્પે આ રિપોર્ટને નકાર્યો છે.ડેમોક્રેટિક પાર્ટીની બહુમતીવાળી અમેરિકન ગૃહની જ્યુડીશીયરી કમિટીએ આજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૃદ્ધ ચાલી રહેલા મહાભિયોગ તપાસનો પ્રાથમિક રિપોર્ટ જારી કર્યો છે. જેમાં ટ્રમ્પને દોષિત ઠેરવવામાં આવેલ છે.

રિપોર્ટ અનુસાર ટ્રમ્પે પોતાના વ્યક્તિગત અને રાજકીય હેતુઓ પૂરા કરવા માટે ‘રાષ્ટ્રહિત’ સાથે બાંધછોડ કરી અને પોતાના પાવરનો દુરૃપયોગ કરતા 2020 રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાના પક્ષ માટે વિદેશી મદદ માંગી જો કે વ્હાઈટ હાઉસે આ રિપોર્ટને ફગાવી દીધો છે. હાઉસ જ્યુ. કમિટીના રિપોર્ટ અનુસાર ટ્રમ્પે યુક્રેનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન અને તેમના પુત્ર સાથે જોડાયેલી કંપનીઓ વિરૃદ્ધ પોતાને ત્યાં તપાસ શરૃ કરવાના એલાન કરવાના પ્રસ્તાવ આપ્યા હતાં.

આવા પ્રસ્તાવોમાં ટ્રમ્પ બીજી વખત ચૂંટાય તે માટેના અભિયાનમાં આ મદદ માટે યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વ્હાઈટ હાઉસમાં બેઠક યોજવા અને સૈન્યને મદદ આપવાનું વચન આપ્યું હતું. ૨૫ જુલાઈએ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કી સાથે ફોન ઉપર વાતચીતની પણ પુષ્ટી થઈ છે. તેની પુષ્ટી ટ્રમ્પના ચીફ ઓફ સ્ટાફે કર્યાનું તપાસ રિપોર્ટ જણાવે છે. 300 પાનાના રિપોર્ટમાં દાવો થયો છે કે અમેરિકાના ઈતિહાસમાં ટ્રમ્પને બાદ કરતા કોઈ પણ રાષ્ટ્રપતિ એ એક્ઝીક્યુટીવ અધિકારીઓને સંસદ સમક્ષ ગવાહી ન દેવાનો સીધો આદેશ નહોતો આપ્યો.

રિપોર્ટ મુજબ ટ્રમ્પે સંસદીય ગવાહો ને જાહેરમાં ધમકી આપી હતી જે સંગીન અપરાધ છે. રિપોર્ટમાં ટ્રમ્પ પર મહાભિયોગ તપાસને બાધિન કરવાનો પ્રયાસ થયો હોવાનો પણ આરોપ છે. રિપોર્ટમાં તપાસને આગળ પણ ચાલુ રાખવાની ભલામણ કરવામાં આવી છે. અત્રે એ નોંધનીય છે કે ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે ૨૦૨૦નો જંગ જીતવા માટે પોતાના હરીફની છબી તોડી પાડવા યુક્રેન પાસે ગેરકાનૂની મદદ પણ માંગી હતી. હાઉસની કમિટી આજે એ પર સુનાવણી કરશે કે શું તપાસમાં સામેલ કરાયેલ પુરાવા રાજદ્રોહ, લાંચ કે અને અન્ય અપરાધો અન્વયે મહાભિયોગના માપદંડો સાથે સુસંગત છે?