વડોદરા નેશનલ હાઈવે પર જાનૈયાને લઈ જતી બસ અને બે ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત, 2નાં મોત

વડોદરા સિટીની બહારથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર ગોલ્ડન ચોકડી અને દુમાડ ચોકડી વચ્ચે મોડી રાત્રે જાનની લકઝરી બસ અને બે ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં લકઝરી બસના ચાલક અને ક્લિનરનું મોત નીપજ્યું હતું. જ્યારે ૨૩ જાનૈયાઓને નાની-મોટી ઇજાઓ પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મોડી રાત્રે ૩ વાગ્યાના સુમારે સુરતથી જાનૈયા લઇને અંબાજી જવા માટે નીકળેલી ઘનશ્યામ ટ્રાવેલ્‌સની લકઝરી બસ અને બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લકઝરી બસના ચાલક સહદેવભાઇ પ્રભાભાઇ રબારી (રહે. સમરપુરા, મહિસાગર) તેમજ લકઝરી બસના ક્લિનરના સ્થળ પર મોત નીપજ્યાં હતા. જ્યારે લકઝરી બસમાં સવાર ૨૩ જેટલા જાનૈયાઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર હર્ષવર્ધન પુવારે જણાવ્યું હતું કે, રાત્રે ૩ વાગ્યાના સુમારે ફાયર બ્રિગેડને અકસ્માતની જાણ થતા તુરતજ સ્ટાફ સાથે પહોંચી ગયા હતા. આ બનાવમાં કોટન ભરેલી ટ્રકને તેની પાછળ જતાં ટ્રેલરે ટક્કર મારી આગળ નીકળી ગઇ હતી. તે સાથે કોટન ભરેલી ટ્રકની પાછળ આવતી લકઝરી બસ કોટન ભરેલી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી જતાં લકઝરી બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લકઝરી બસમાં સવાર તમામ મુસાફરો પૈકી રવિકુમાર રાવલ (ઉં.૪૧), અજુભાઇ મોરીયા, ટીનાબહેન રાવલ (ઉં૪૮), અમૃત ગોવાભાઇ રબારી (ઉં.૫૮) અને અંબાબહેન દર્શનભાઇ ચૌધરી (ઉં.૫૩) ને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ સાથે કેબિનમાં ફસાયેલા ચાલક સહદેવભાઇ રબારી અને ક્લિનરને કટર અને સ્કેડરની મદદ સહિત અન્ય સાધનોની મદદથી કેબીન કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા.

ટ્રેલરની ટક્કરથી કોટન ભરેલી ટ્રકની પાછળ લકઝરી બસ ભટકાતા ટ્રક ડિવાઇડર સાથે ભટકાઇને રોડની બાજુમાં ગટરમાં ઉતરી ગઇ હતી. મોડી રાત્રે બનેલા અકસ્માતના આ બનાવની જાણ હરણી પોલીસને થતાં પી.આઇ. આર.એસ. બારીયા, એ.એસ.આઇ. અરવિંદભાઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. નેશનલ હાઇવે ઉપર બનેલા આ બનાવને પગલે હાઇવે ઉપરનો ટ્રાફિક જામ થઇ ગયો હતો. હાઇવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. હરણી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. અને ફરાર થઇ ગયેલા કોટન ભરેલ ટ્રકના ચાલક અને ક્લિનરની શોધખોળ હાથ ધરી છે.