જમ્મુ-કાશ્મીરમાં બરફનું ભયંકર તોફાનઃ સેનાના ત્રણ જવાન લાપતા

જમ્મુ-કાશ્મીરમાં બરફના ભયંકર તોફાનના કારણે થયેલા હિમસ્ખલનમાં ભારતીય સેનાના ત્રણ જવાનો લાપત્તા થતા શોધખોળ ચાલી રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં બરફનું ભયંકર તોફાન ચાલી રહ્યું છે. તે દરમિયાન ઉત્તર કાશ્મીરના અનેક વિસ્તારોમાં બરફના ભયંકર તોફાનમાં ભારતીય સેનાના ૩ જવાનો સપડાયા હોવાના અહેવાલ છે. કાશ્મીરના કૂપવાડા અને બાંદીપોરા જિલ્લામાં થયેલા હિમસ્ખલનની અલગ અલગ ઘટનાઓમાં જવાનો લાપત્તા થયા છે. લાપત્તા જવાનોની શોધમાં સેનાની એઆરટીને લગાવવામાં આવી છે. કૂપવાડામાં બરફના તોફાનમાં સેનાની પોસ્ટ ચપેટમાં આવી ગઈ છે.

મળતી માહિતી મુજબ મંગળવારે હિમસ્ખલનની બે ઘટનાઓ બાંપોરા અને ગુરેજ સેક્ટર તથા કૂપવાડા જિલ્લાના તંગધાર સેક્ટરમાં ઘટી છે. આ બન્ને વિસ્તારો ઉત્તર કાશ્મીર હેઠળ આવે છે. ૧૮ હજાર ફૂટથી વધુ ઊંચાઈ પર થયેલા હિમસ્ખલનમાં ૩ જવાનો લાપત્તા થયા હોવાનું જાણવા મળે છે. જવાનોની શોધમાં સેનાએ એવલાન્ય રેસ્ક્યુ ટીમ અને સેનાના હેલિકોપ્ટરોને લગાવ્યા છે, જો કે હજુ સુધી સેનાએ આ ઓપરેશન અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.