સૌરાષ્ટ્રના કેશોદ, મેંદરડા, માળિયા હાટીનામાં કમોસમી વરસાદ, કપાસ, ચણા, જીરૂં, લસણ, ડુંગણી, ઘઉં, એરંડા અને ધાણાંના પાકને ભારે નુકસાન

ગુજરાતમાંથી મેઘરાજા વિદાય લેવાનું નામ લેતા નથી. અરબી સમુદ્રમાં બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે 4 અને 5 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી છે. આ આગાહી વચ્ચે આજે જૂનાગઢના મેંદરડા અને કેશોદ પંથકમાં કમોસમી વરસાદ થયો છે. જેમાં અજાબ અને કેવદ્રામાં વરસાદ પડ્યો છે. આ કમોસમી વરસાદને પગલે ચોમાસુ પાક ગુમાવી ચૂકેલા ખેડૂતોમાં શિયાળુ પાક પણ નિષ્ફળ જવાની ભીતિને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ કમોસમી વરસાદને કારણે કપાસ, ચણા, જીરૂં, લસણ, ડુંગણી, ઘઉં, એરંડા અને ધાણાંના પાકને ભારે નુકસાન થયું છે.

આ ઉપરાંત જૂનાગઢના માળિયા હાટીના પંથકમાં અમરાપુર, કાત્રાસા, આંબલગઢ, તરસિંગડા સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.

અરબ સાગરમાં ઉદભવેલ લો પ્રેશરને કારણે પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. જેને પગલે 3 લઈ 7 ડિસેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.