ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા શહીદોને વિરલ શ્રદ્ધાંજલિ, સુરતમાં સ્મૃતિવન-શહીદ સ્મારકને ખુલ્લું મુકાયું

ગ્રીનમેન વિરલ દેસાઈએ તેમના હાર્ટ્સ એટ ફાઉન્ડેશન દ્રારા સુરતમાં તૈયાર કરેલા ગુજરાતના પહેલા અર્બન ફોરેસ્ટનું આજે ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના ચીફ એમ એસ બીટ્ટાના હાથે ઉદ્ધાટન થયું હતું. ઉધના રેલવે સ્ટેશનની આરપીએફ કોલોનીમાં તૈયાર થયેલા આ અર્બન ફોરેસ્ટને પુલવામા શહીદોને અર્પણ કરવામાં આવ્યું છે. ‘શહીદ સ્મૃતિ વન’ નામના આ અર્બન ફોરેસ્ટમાં ઓગણીસ હજાર સ્ક્વેર ફુટમાં અગિયાસરો વૃક્ષોનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું.

આ અર્બન ફોરેસ્ટમાં જાપાનની મિયાવાકી પદ્ધતિથી પ્રેરણા લઈને પીપળા, આંબલી, સરગવા, બોરસલી, ગરમાળો અને કરંજ જેવા ભવિષ્યમાં ઘટાટોપ થતા વૃક્ષો તેમજ જાંબુ, બદામ, જમરૂખી કે આંબો જેવા ફળ આપનારા એમ કુલ અઢાર જાતના વૃક્ષોના રોપાનું પ્લાન્ટેશન કરાયું હતું. આ ઉપરાંત ચંપો, એરેકા, સ્પાઈડર અને સ્નેક જેવા પ્લાન્ટનું પણ પ્લાન્ટેશન કરાયું હતું.

શહીદ સ્મૃતિ વનના ઉદ્ધાટન પ્રસંગે એમ એસ બીટ્ટાએ કહ્યું હતું કે, ‘આપણા પર્યાવરણની અંદર પ્રદુષણ એ પણ એક આતંકવાદ જ છે અને એ આતંકવાદ સામે આપણે સૌએ ભેગા મળીને લડવું પડશે. વિરલ દેસાઈ જેવા પર્યાવરણવાદીઓ જ્યારે પર્યાવરણ સુરક્ષા માટે આટલું પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે ત્યારે હું તેમને અભિનંદન પાઠવું છું અને સાથે જ બાંહેધરી પણ આપું છું કે પ્રદુષણ નામના આતંકવાદી સામે લડવા હું તેમની સાથે ખભાથી ખભો મિલાવીને ચાલીશ.’

વિરલ દેસાઈએ શહીદ સ્મૃતિ વન માટે કહ્યું હતું કે, ‘દેશના જવાનો જો દેશ માટે પોતના જીવની પરવા નથી કરતા તો આપણે પણ શું આપણા સ્તરે આપણા દેશ માટે કંઈ નહીં કરી શકીએ? એક પર્યાવરણપ્રેમી તરીકે મેં આ જ બાબત પર ગહન વિચાર કર્યો અને નક્કી કર્યું કે મારે મારા પર્યાવરણના ક્ષેત્રમાં તો નક્કર કામ કરવું જ છે, પરંતુ મારા એ કામને હું દેશના શહીદોને પણ અર્પણ કરીશ. એટલે મેં આ શહીદ સ્મૃતિ વન તૈયાર કર્યું અને તેમને અર્પણ કર્યું.’

વિરલ દેસાઈએ આ સાથે અર્બન ફોરેસ્ટની હાલના સમયમાં દેશમાં તાતી જરૂરિયાત વિશે પણ વાતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે માઈક્રો ફોરેસ્ટના અનેકવિધ ફાયદા છે, જેમાં શહેરોની વચ્ચોવચ લુપ્ત થઈ રહેલા પક્ષીઓને પનાહ મળી શકે, પ્રદુષણની માત્રામાં ધરખમ ઘટાડો થાય, ઑકિસજન ચેમ્બર્સ તૈયાર થઈ જાય અને ધ્વનિ પ્રદુષણમાં પણ ઘણી રાહત થાય.

શહીદ સ્મૃતિ વનના ઉદ્ધાટન બાદ એમ એસ બિટ્ટા ઉધના રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિરલ દેસાઈના ‘હાર્ટ્સ એટ વર્ક’ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તેમણે ઉધના સ્ટેશન પર પર્યાવરણનો સંદેશ આપતી ગ્રીન ગેલેરી તેમજ શહીદ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ઉધના સ્ટેશન પરિસરમાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં ૨૭૦૦થી વધુ વૃક્ષોનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રકૃતિ માટે પ્રેરણા આપતા ચિત્રો પણ ત્યાં તૈયાર કરાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શહેરન પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહ્યા હતા અને જેઓ ‘હાર્ટ્સ એટ વર્ક’ ફાઉન્ડેશનને મદદરૂપ થયા હતા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.