સોલા હાઈકોર્ટ વિસ્તારમાં રહેતા શ્રીમંત સિંધી પરિવારની યુવતીનું લગ્ન દિલ્હીના યુવાન સાથે નક્કી કરવામાં આવ્યું હતું. જો કે સોલા હાઈકોર્ટ વિસ્તારમાં જ આવેલા એક પાર્ટી પ્લોટમાં તાજેતરમાં બંનેનાં લગ્ન યોજાયાં હતાં. દિલ્હીથી આવેલા વરરાજાએ બપોરે 3 વાગ્યે પાર્ટી પ્લોટમાં યુવતી સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ સાંજે 7 વાગ્યે તે જ પાર્ટી પ્લોટમાં બંનેનું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. જેમાં લગભગ 8 વાગ્યે દૂધ પીવાની વિધિનો વરરાજાએ વિરોધ કર્યો હતો.
શરૂઆતમાં આ મુદ્દે બંને પક્ષના સભ્યો વચ્ચે મજાક-મસ્તી થઇ હતી. પરંતુ આ મુદ્દે એક કલાક સુધી રકઝક બાદ બોલાચાલી અને ઝઘડો થતાં મામલો સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જેમાં વરરાજા-કન્યા માતા-પિતા-સગાં સંબંધી સહિત 300 માણસોનું ટોળું રાતે 9 વાગ્યે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યુ હતું. જેમાં સમાજના આગેવાનો તેમજ બંને પરિવારના સભ્યોએ મધ્યસ્થી બનીને મામલો શાંત પાડવા પ્રયાસ કર્યો હતો.પરંતુ વરરાજા અને કન્યા ટસથી મસ થયા ન હતા.
સોલા હાઈકોર્ટ પીઆઈ જે.પી.જાડેજા એ જણાવ્યું હતું કે રાતે 3 વાગ્યા સુધી ચાલેલી ચર્ચા-વિચારણાના અંતે વરરાજા-કન્યાએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. પરંતુ બંને પક્ષના સભ્યો વચ્ચે ઝઘડો થતાં મામલો પોલીસ સ્ટેશન આવ્યો હોવાની સ્ટેશન ડાયરીમાં નોંધ કરી હતી. બંને પક્ષના સભ્યોએ પોલીસ ફરિયાદ કરવાની ના પાડી દેતા બંને પક્ષના નિવેદન લઇને તેમને જવા દીધા હતા.