ફરી એક કડવો ડોઝ અપાશે: GSTમાં મળતી છૂટ સમાપ્ત થશે? પાંચ રાજ્યોએ વળતર માટે લખ્યું

સૌથી મોટ આર્થિક સુધાર એટલે  ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સરકાર માટે માથાનો દુખાવો બની ગયો છે. કેન્દ્ર સરકાર ચિંતા કરે છે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન અપેક્ષા કરતા ઓછું છે. તેથી, આવક વધારવા માટે, સરકાર હવે એવી અનેક ચીજવસ્તુઓ અને સેવાઓને પણ જીએસટીના દાયરામાં લાવવાની તૈયારી કરી રહી છે, જેને અત્યાર સુધી જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ વખતે પણ જીએસટી કલેક્શન ટારગેટ કરતાં ઓછું આવ્યું છે. આના કારણે કેન્દ્ર સરકાર ત્રણ મહિનાથી રાજ્ય સરકારોને વળતર આપી શકી નથી. હવે સરકાર આવક વધારવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલા લઈ શકે છે.

ઘણી ચીજ વસ્તુઓ અને સર્વિસને જીએસટીના દાયરામાં લાવી જીએસટીની છૂટ ખતમ કરવામાં આવે તેવી શક્યતા છે. 15 ડિસેમ્બરે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવે તેવી સંભાવના છે.

નોંધનીય છે કે, લગભગ ત્રણ મહિના જીએસટી વળતરની ચુકવણી ન કરવાને કારણે, પાંચ રાજ્યોએ તાજેતરમાં કેન્દ્ર સરકારને આ બાકી રકમ તાત્કાલિક આપવા અપીલ કરી છે. પશ્ચિમ બંગાળ, પંજાબ, કેરળ, રાજસ્થાન અને દિલ્હીના નાણાં પ્રધાન દ્વારા જારી કરેલા સંયુક્ત નિવેદનમાં તાજેતરમાં કહ્યું હતું કે આ વળતર ચૂકવવામાં નહીં આવતા રાજ્યો આર્થિક દબાણ હેઠળ છે અને કેન્દ્ર સરકારે આ માટે કોઈ કારણ આપ્યું નથી.

રાજ્યોની કુલ આવકમાં જીએસટીનો હિસ્સો આશરે 60 ટકા છે. જીએસટી લાગુ કરતી વખતે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે કરેલા કરાર મુજબ કેન્દ્ર સરકાર તેનાથી થતી આવકના નુકસાનની ભરપાઇ કરે છે.