સુદાનની કેમિકલ ફેક્ટરીમાં બુધવારે બ્લાસ્ટ થતાં 18 ભારતીયોના મોત થયા હોવાનું ભારતીય એમ્બેસીએ જણાવ્યું છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
માહિતી મુજબ અંદાજે 130 કરતાં પણ વધુ લોકો ઈજા પામ્યા છે. બ્લાસ્ટમાં દાઝી ગયેલા લોકોના નામ હજુ જાણી શકાયા નથી. નામ અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે. આ બ્લાસ્ટ એલપીજી ટેન્કરમાં થયો હતો. સુદાનના ખર્તુમના બિહરીમાં આવેલી સીલા સીરામીક ફેક્ટરીમાં આ બ્લાસ્ટ થયો હતો.
ઈન્ડીયન એમ્બેસીએ જણાવ્યું કે 18 ભારતીયોના મોતની પૃષ્ટિ થઈ છે. અન્યો અંગે જાણકારી મેળવવામાં આવી રહી છે. મૃતદેહો એટલા બધા બળી ગયા છે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલી બની જવા પામી છે. હાલ સાત લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જે પૈકી ચારની હાલત ગંભીર છે.
સરકારે જણાવ્યું કે બ્લાસ્ટમાં 23 લોકો માર્યા ગયા છે અને 130 કરતાં વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ફેક્ટરીમાં સલામતીના પગલા ભરવામાં આવ્યા ન હતા અને તેના કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
જ્લનશીલ પદાર્થ હોવાના કારણે આગ ભડકી બળી હતી અને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટરોએ ખાસ્સી મહેનત અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલ આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.