કોંગ્રેસના વોકઆઉટ વચ્ચે એસપીજી બિલ રાજ્યસભામાં પણ પાસ, ગાંધી પરિવાર પર અમિત શાહનો હુમલો

કોંગ્રેસના વોકઆઉટની વચ્ચે રાજ્યસભામાં પણ વીવીઆઇપી સુરક્ષા માટેના એસપીજી સુધારા બિલને પસાર કરવામાં સરકારને સફળતા મળી હતી. આનો અર્થ એ થયો કે હવે એસપીજી સુરક્ષા ફક્ત વડા પ્રધાન અને તેના નજીકના પરિવારને જ આપવામાં આવશે, ભૂતપૂર્વ વડા પ્રધાનો અથવા તેમના પરિવારના સભ્યોને નહીં. કોંગ્રેસે આ સુધારા બિલનો વિરોધ કરીને મોદી સરકાર ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા હટાવીને તેમના જીવની સાથે ચેડાં કરી રહી હોવાનો ફરી એકવાર દાવો કર્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે જો કે પ્રહાર કર્યા હતા કે કોંગ્રેસ શા માટે એસપીજી સુરક્ષાનો આગ્રહ રાખે છે? શું એસપીજી સુરક્ષા કાંઇ સ્ટેટ સિમ્બોલ માટે છે..?

લોકસભા બાદ રાજ્યસભાની પણ મંજૂરી માટે રજૂ કરાયો ત્યારે બિલ અંગેની ચર્ચાના જવાબમાં ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસના આક્ષેપો અંગે એક પછી એક વીણી વીણીને જવાબ આપ્યો હતો અને પૂછ્યું હતું કે કોંગ્રેસ શા માટે એસપીજી સુરક્ષા પર આધાર રાખે છે. તેમણે કહ્યું કે એસપીજીનો ઉપયોગ કાંઇ મોભાના પ્રતિક માટે થઈ શકતો નથી.

શાહે કહ્યું કે ગાંધી પરિવારની સુરક્ષા હટાવવામાં આવી નથી પરંતુ બદલવામાં આવી છે. આ સમય દરમિયાન, તેમણે કેરળમાં ભાજપ અને આરએસએસના કાર્યકરોની રાજકીય હત્યા પર પણ ડાબેરીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. મંગળવારે રાજ્યસભામાં કોંગ્રેસના સભ્યો દ્વારા વોકઆઉટ વચ્ચે બિલ પણ પસાર કરાયું હતું. આનો અર્થ એ થયો કે હવે એસપીજી સુરક્ષા ફક્ત વડા પ્રધાન અને તેના નજીકના પરિવારને જ આપવામાં આવશે, ભૂતપૂર્વ વડા પ્રધાનો અથવા તેમના પરિવારના સભ્યોને નહીં. ’બિલ ગાંધી પરિવારને ધ્યાનમાં લાવીને રજૂ કરાયાનો આરોપ’ ખોટો છે

અમિત શાહે કહ્યું, ’સલામતી ક્યારેય સ્ટેટસ સિમ્બોલ હોઈ શકે નહીં. માત્ર એસપીજી કેમ? એવું બની શકે કે કોઈ સામાન્ય માણસ પર દેશના વડા પ્રધાન કરતા વધારે જોખમમાં હોય. રામ મંદિર આંદોલન દરમિયાન અશોક સિંઘલને તત્કાલીન વડા પ્રધાન કરતા વધારે ધમકી આપવામાં આવી હતી પરંતુ તેમને એસપીજી સુરક્ષા મળી નહોતી. એસપીજી વડા પ્રધાન માટે બનાવવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું, ’જેઓ વડા પ્રધાનપદે ન હોય તો પણ તેમને એસપીજી સુરક્ષા મળશે. નરેન્દ્ર મોદી આ દેશના વડા પ્રધાન છે, તેમને એસપીજી સુરક્ષા મળશે.

જ્યાં સુધી ભયનો સવાલ છે, ગાંધી પરિવારને શેનો ડર લાગે છે? ગાંધી પરિવાર સહિતના ૧૦૦ કરોડ નાગરિકોની સુરક્ષા માટે સરકારની જવાબદારી છે. પરંતુ એમને ફક્ત એસપીજીની જરૂર છે, કોંગ્રેસની આ જીદ સમજી શકાતી નથી.

ગૃહમંત્રીએ કહ્યું કે ગાંધી પરિવારની સુરક્ષામાં તૈનાત કરાયેલા કમાન્ડો અગાઉ એસપીજીમાં રહ્યા છે, તેથી સુરક્ષા સાથે સમાધાનના આક્ષેપો પાયાવિહોણા છે. તેમણે કહ્યું, ’એસપીજીમાં બીએસએફમાંથી ૩૩ ટકા, સીઆરપીએફમાંથી ૩૩ થી ૩૪ ટકા, સીઆઈએસએફમાંથી ૧ ટકા, આઇટીબીપીમાંથી અને અન્ય રાજ્યોની પોલીસમાંથી કમાન્ડો પસંદ કરવામાં આવે છે. એસપીજીમાં ૫ વર્ષ ફરજ બજાવ્યાં બાદ પછી તેમને પાછા તેમની સંસ્થામાં મોકલવામાં આવે છે. એ જ લોકોને ગાંધી પરિવારના ત્રણ સભ્યોની સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે, જેઓ હંમેશા એસપીજીમાં રહેતા હોય છે.