ગુજરાતને પહેલો મોટો ફટકો: ઠાકરે સરકારે ગુજરાતની ઈવેન્ટ કંપનીનો 321 કરોડનો કોન્ટ્રાક્ટ રદ્દ કર્યો

મહારાષ્ટ્રમાં સુકાન સંભાળતાની સાથે જ ઠાકરે સરકારે સૌથી પહેલા ગુજરાતના અમદાવાદ સ્થિત એક ઇવેન્ટ કંપની લલ્લુજી એન્ડ સન્સ સાથેનો 321 કરોડનો કોન્ટ્રાક્ટ રદ કર્યો છે. આ કંપની દેશ-વિદેશમાં ઘોડાઓના મેળાનું આયોજન કરવા માટે જાણીતી છે. આ કંપની હાલ કથિત નાણાંકીય અનિયમિતતાઓના આરોપસર સ્કેનર હેઠળ છે. ત્રણ વર્ષ પૂર્વે આ ઘોડા મેળાના આયોજન સંબંધે તત્કાલિન ફડણવીસ સરકારના શાસનકાળમાં એક ૩૨૧ કરોડ રૂપિયાની એક ડીલ થઇ હતી. આ ડીલ સામે તે સમયે પણ ઘણો વિવાદ થયો હતો.

મહારાષ્ટ્રમાં દર વર્ષે ડિસેમ્બરમાં ઘોડાનો મેળો યોજાય છે અને જેનો સંબંધ છત્રપતિ શિવાજી સાથે છે અને આ મેળો ૩૦૦ વર્ષથી યોજાય છે. ગત ૨૬મી ડિસેમ્બર ૨૦૧૭ના રોજ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મહારાષ્ટ્ર ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમટીડીસી) એ અમદાવાદની લલ્લુજી એન્ડ સન્સ સાથે એક ટર્નકી બેઝિસ ઉપર નંદુરબારમાં સારંગખેડા ચેતક ફેસ્ટિવલના આયોજન, ડિઝાઇન, કામગીરી, સંચાલન માટે કરાર કરવામાં આવ્યો હતો. આ કંપનીએ અગાઉ કુંભ મેળા અને રણોત્સવના આયોજનની પણ કામગીરી સંભાળી છે.